fbpx

પ્રદર્શનમાં ઉપવાસ પર બેસેલા PKને લક્ઝરી સુવિધા!, 5 સ્ટાર, હાઈટેક સગવડવાળી વેનિટી

BPSC ઉમેદવારોના સમર્થનમાં પ્રશાંત કિશોરના આમરણાંત ઉપવાસ દરમિયાન તેમની લક્ઝરી વેનિટી વેન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે ઉપવાસ કરી રહેલા પ્રશાંત કિશોરની તસવીરોમાં તેમની પાછળ એક વેનિટી વાન ઉભેલી જોવા મળે છે. આ વેનિટી વેનની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે, જેના કારણે તે સામાન્ય લોકોમાં ઉત્સુકતા અને ચર્ચાનું કારણ બની છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ગાંધી પ્રતિમાની પાછળ પાર્ક કરેલી કરોડોની કિંમતની વેનિટી વેનમાં 5 સ્ટાર હોટલ જેવી તમામ સુવિધાઓ છે. આમાં આરામદાયક પથારી, બેસવા માટે સોફા સેટ, બાથરૂમ, Wi-Fi અને હાઇ-ટેક સુવિધાઓનો સમાવેશ થાય છે. વેનિટી વેનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો તેને દેખાડો અને બિનજરૂરી ઠાઠમાઠ કહે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પ્રશાંત કિશોર આ વેનિટી વેનમાં ફ્રેશ થવા જાય છે, કપડાં બદલે છે, વચ્ચે વચ્ચે આરામ પણ કરે છે અને મોડી રાત્રે આ વેનમાં જઈને સૂઈ જાય છે.

બીજી તરફ જન સૂરજ અભિયાનનું કહેવું છે કે, આ વેનિટી વેનનો ઉપયોગ પ્રશાંત કિશોરના કામ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. જન સૂરજ પાર્ટીના પ્રવક્તા વિવેકે કહ્યું કે, વેનિટી વેનનો મુદ્દો ઉઠાવવો એ માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું, ‘આ આંદોલન રાજ્યના યુવાનો અને તેમના ભવિષ્ય માટે છે. કેટલાક લોકો પ્રશાંત કિશોરને બદનામ કરવા માટે આ પ્રકારના મુદ્દા ઉઠાવી રહ્યા છે. આ વેનિટી વેન અમારા અભિયાનનું માત્ર એક સાધન છે. અસલી મુદ્દો બિહારના યુવાનો અને બેરોજગારીનો છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.’

પ્રશાંત કિશોરના આ ઉપવાસ શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને યુવાનોના સારા ભવિષ્યની માંગ સાથે ચાલી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની તાજેતરની પરીક્ષા રદ કરવાની માંગ સાથે શુક્રવારે પટના સહિત રાજ્યના ઘણા ભાગોમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ રેલ અને રોડ ટ્રાફિકને અવરોધ્યો હતો. જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોર 70મી BPSC પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધી મેદાનમાં ઉપવાસ કરી રહ્યા છે.

જ્યારે વહીવટીતંત્રે તેને ‘ગેરકાયદેસર’ ગણાવ્યું અને તેમને તેમના ઉપવાસનું સ્થળ બદલવા વિનંતી કરી, પરંતુ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે તેમ કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, ‘CM નીતીશ કુમારે વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવી જોઈએ, વિદ્યાર્થીઓ જે પણ નિર્ણય લેશે, હું તે જ કરીશ.’

પટના DM ચંદ્રશેખરે પ્રશાંત કિશોરને નોટિસ મોકલી છે. તેમનું કહેવું છે કે, જ્યાં તેઓ વિરોધ કરી રહ્યા છે ત્યાં (ગાંધી પ્રતિમા પાસે) તેઓ વિરોધ નહીં કરી શકે. ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું, ‘અમે નોટિસ આપી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હાલમાં અમારી પ્રાથમિકતા આજની પરીક્ષા છે (13મી ડિસેમ્બરે બાપુ પરીક્ષા કેન્દ્ર ખાતે લેવાયેલી પરીક્ષા રદ કરીને આજે લેવામાં આવી રહી છે). પહેલા આ પરીક્ષા પૂર્ણ થાય અને પછી અમે આગળની કાર્યવાહી અંગે વિચારીશું. કારણ કે કોઈ જાહેર સ્થળે બેસીને ધરણા કરી શકે નહીં.’

BPSC પુનઃપરીક્ષા પટનામાં 22 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. અગાઉ, BPSC PT પરીક્ષા 13 ડિસેમ્બર, 2024ના રોજ લેવામાં આવી હતી. પરંતુ આ પરીક્ષા દરમિયાન પટનામાં બાપુ પરીક્ષા સંકુલમાં ગેરરીતિઓ જોવા મળી હતી. આ પછી, આયોગ દ્વારા આ કેન્દ્રની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પછી, પટનામાં 22 પરીક્ષાઓના દરે આજે ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે.

Leave a Reply