મહારાષ્ટ્રના રાજકારણમાં એક રસપ્રદ ચિત્ર જોવા મળ્યું છે. BJP પર અવાર નવાર કોઈ ને કોઈ બહાને તેની પર કટાક્ષ કરનાર શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કામ માટે તેમણે CMની પ્રશંસા કરી છે. રાઉતે ખાસ કરીને ગઢચિરોલી જિલ્લાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ જિલ્લો નક્સલવાદથી પ્રભાવિત છે, પરંતુ જો નક્સલવાદીઓ શરણાગતિ સ્વીકારે અને બંધારણના માર્ગે ચાલે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, ગઢચિરોલીમાં બેરોજગારી અને ગરીબી ગંભીર સમસ્યા છે. CM દેવેન્દ્ર ફડણવીસ તેને સુધારવાની દિશામાં કામ કરી રહ્યા છે. CM ફડણવીસે ત્યાં એક ‘સ્ટીલ સિટી’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે મહારાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો કરશે અને સ્થાનિક લોકોને રોજગાર મળશે. સંજય રાઉતે આ પહેલને આવકારી અને કહ્યું કે, CM ફડણવીસનું આ પગલું રાજ્યના વિકાસમાં મદદરૂપ થશે.
આ અગાઉ શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા આ મુદ્દે CM દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી હતી. સામનાએ લખ્યું હતું કે, જ્યારે કેબિનેટના ઘણા મંત્રીઓ મલાઈદાર વિભાગો અને ખાસ જિલ્લાઓના પાલકમંત્રી પદ માટે જીદ લઈને બેઠા હતા, ત્યારે CM ફડણવીસ ગઢચિરોલી પહોંચ્યા અને તે નક્સલ પ્રભાવિત જિલ્લામાં વિકાસનો નવો ઉત્સવ શરૂ કર્યો. જ્યારે સમગ્ર દેશ નવા વર્ષને આવકારવામાં અને ઉજવણી કરવામાં વ્યસ્ત હતો ત્યારે CM ફડણવીસે નવા વર્ષનો પ્રથમ દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. ફક્ત ત્યાં પસાર જ ના કર્યો પરંતુ, અનેક વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું અને ઉદ્ઘાટન પણ કર્યું. જો CMએ જે કહ્યું તે સાચું હશે તો તે માત્ર ગઢચિરોલી માટે જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર માટે સકારાત્મક હશે. જો CM ફડણવીસે આવું કરીને બતાવવાનો નિર્ણય લીધો હશે તો તે ખુશીની વાત છે. નક્સલવાદ એ ભારતીય સમાજ પર એક કલંક સમાન છે.’
અહીં તમને જણાવી દઈએ કે, આજથી એક દિવસ પહેલા જ શિવસેનાના UBT સાંસદ સંજય રાઉતે BJPની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેમને શંકા છે કે PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર 2026 સુધી બે વર્ષ પણ ટકી શકશે કે કેમ. એક પત્રકાર પરિષદને સંબોધતા સંજય રાઉતે કહ્યું કે, જો તેમની આશંકા હકીકતમાં ફેરવાશે તો મહારાષ્ટ્રને પણ તેની અસર થશે અને મહારાષ્ટ્રની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ તેની અસર થવાની સંભાવના છે.
સંજય રાઉતે કહ્યું, ‘મને શંકા છે કે 2026 પછી કેન્દ્ર સરકાર ટકી શકશે કે નહીં. મને લાગે છે કે PM નરેન્દ્ર મોદી તેમનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં અને એકવાર કેન્દ્ર સરકાર અસ્થિર થઈ જશે તો તેની અસર મહારાષ્ટ્ર પર પણ પડશે.’