fbpx

મેચ પછી ટ્રેવિસ હેડનો ખુલાસો, ઑસ્ટ્રેલિયાની ટીમ આ ભારતીય ખેલાડીથી ડરી ગઈ હતી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું પરિણામ આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 3-1થી જીતી લીધી છે. થોડાક સમયના સંઘર્ષ પછી પણ આખરે ઓસ્ટ્રેલિયાની ટીમે સિડની ટેસ્ટ 6 વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલની ટિકિટ મળી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં સારી રીતે રમી હતી, પરંતુ તેઓને નસીબનો પણ સાથ મળ્યો હતો. કારણ કે, જસપ્રીત બુમરાહ બીજા દાવમાં બોલિંગ માટે બહાર આવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયન ટીમમાં તેનો ડર કેટલો છે તે ટ્રેવિસ હેડના શબ્દો પરથી જોઈ શકાય છે.

સિડની ટેસ્ટ સમાપ્ત થયા પછી ટ્રેવિસ હેડે કહ્યું, ‘બુમરાહે આજે બોલિંગ ન કરી, તો ઓછામાં ઓછા 15 લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને તે 15 લોકો એટલે કે આખી ઓસ્ટ્રેલિયન ટીમ. બુમરાહ એક જબરદસ્ત પર્ફોર્મર છે, તેણે આ પ્રવાસમાં ઘણી અજાયબીઓ કરી હતી. આ અત્યાર સુધીનું સૌથી જબરજસ્ત વ્યક્તિગત પ્રદર્શન છે, જે મેં મારી પોતાની આંખોથી જોયું છે.’

બુમરાહે પણ સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં બોલિંગ ન કરી શકવા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘આવી વિકેટ પર બોલિંગ ન કરવી તે નિરાશાજનક હતું. પરંતુ કેટલીકવાર તમારે તમારા શરીરનો આદર કરવો પડે છે. તમે તમારા શરીર સાથે લડી શકતા નથી. પ્રથમ દાવમાં મારા બીજા સ્પેલ દરમિયાન થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. અન્ય બોલરોએ પણ પ્રથમ દાવમાં સારી બોલિંગ કરી હતી. પરંતુ બીજા દાવમાં એક બોલર ઓછો હોવાથી અન્યોએ જવાબદારી લેવી પડી હતી.’

બુમરાહની વાત કરીએ તો તેણે આ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. બુમરાહને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે ત્રણ વખત પાંચ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં શ્રેણીમાં ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ મામલે તેણે અનુભવી મહાન બોલર બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા હતા. તેમણે 1977-78ની સિરીઝમાં પાંચ મેચમાં 31 વિકેટ લીધી હતી.

સિડની ટેસ્ટમાં પાછા ફરીએ, ત્યાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. ખ્વાજાએ 41 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વેબસ્ટર 39 અને હેડ 34 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પહેલા ભારતીય ટીમનો બીજો દાવ 158 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા માટે બોલેન્ડે આ ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી.

Leave a Reply