fbpx

BJP નેતા બિધુરીનો ફરી બફાટ, કહ્યુ- બધા રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તે પહેલા એકબીજા પર આક્ષેપબાજીનો તબક્કો શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાલકાજી વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશ બિધુરી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલની જેવા બનાવી દેશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પછી કોંગ્રેસ પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ તેને X પ્લેટફોર્મ પર શેર કર્યું છે. જેમાં બિધુરી કહેતા જોવા મળે છે કે, ‘લાલુએ બિહારમાં કહ્યું હતું કે, તેઓ રાજ્યના રસ્તાઓને હેમા માલિની જેવા બનાવી દેશે. લાલુ જૂઠું બોલ્યા હતા. તેઓ તે બનાવી શક્યા નહીં. પરંતુ હું તમને ખાતરી આપું છું કે, જેમ અમે ઓખલાના રસ્તાઓ બનાવ્યા છે. સંગમ વિહારના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. એ જ રીતે હું કાલકાજીના તમામ રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશ.’

પવન ખેડાએ એક્સ પર પોસ્ટ કરી ને લખ્યું કે, ‘આ પ્રકારની અસભ્યતા માત્ર હલકી કક્ષાના માણસની માનસિકતા જ દર્શાવતી નથી, પરંતુ તે તેના માલિકોની અસલિયત ખુલ્લી કરે છે, ઉપરથી લઈને નીચે સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર તમને BJPના આ નીચી કક્ષાના નેતાઓમાં જોવા મળશે.’ જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, BJP મહિલાઓ વિરોધી છે. BJPના પૂર્વ સાંસદ અને હવે કાલકાજીથી પાર્ટીના ઉમેદવાર રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કરેલી ટિપ્પણી શરમજનક છે. આ છે BJPનો અસલી ચહેરો. શું BJPની મહિલા કાર્યકરો, પાર્ટી અધ્યક્ષ JP નડ્ડા અને PM મોદી કંઈ કહેશે? આ મહિલા વિરોધી ભાષા અને વિચારસરણીના રચનાકાર ખુદ PM મોદી છે, જેમણે ‘મંગલસૂત્ર’ અને ‘મુજરા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 29 ઉમેદવારો જાહેર કર્યા છે. કાલકાજીથી CM આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સીટ પર અલકા લાંબાને ટિકિટ આપી છે. આ પહેલીવાર નથી જ્યારે રમેશ બિધુરી ચર્ચાનો વિષય બન્યા હોય. આ પહેલા 21 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં વિશેષ સત્ર દરમિયાન બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર અભદ્ર ટિપ્પણી કરી હતી.

Leave a Reply