fbpx

શેરબજારમાં કડાકાના આ રહ્યા 5 કારણો,નવા વાયરસને લીધે રોકાણકારોમાં કોરોના જેવો ભય!

શેરબજાર સ્થિર કેમ નથી થઇ રહ્યું? આ હવે એક મોટો પ્રશ્ન બનતો જય રહ્યો છે. સોમવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન બધું બરાબર હતું. પરંતુ તે પછી અચાનક બજારમાં કડાકો બોલ્યો અને થોડી જ વારમાં સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો. સેન્સેક્સ 78000 પોઈન્ટની નીચે પહોંચી ગયો હતો, જ્યારે ઈન્ડેક્સનો ઓલ ટાઈમ હાઈ 85,978.25 પોઈન્ટ છે. જો આ રીતે જોવામાં આવે તો સેન્સેક્સ તેની ઓલ ટાઈમ હાઈથી લગભગ 8000 પોઈન્ટ ઘટી ગયો છે, એટલે કે 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

હકીકતમાં, રોકાણકારો છેલ્લા ત્રણ મહિનાથી સતત ચિંતિત છે, અને તેઓ હવે સમજી શકતા નથી કે બજાર આ રીતે શા માટે સતત ઉપર નીચે થઇ રહ્યું છે. છેલ્લા 3 મહિનાથી નિફ્ટી 24 હજારની આસપાસ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી મહિનામાં તેજી આવશે, કારણ કે બજેટ 1 લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, અને સરકારનું ધ્યાન અર્થતંત્ર પર છે, તેથી ઘણા ક્ષેત્રોમાં કેપેક્સની જાહેરાત થઈ શકે છે. પરંતુ હજુ સુધી બજારને ક્યાંયથી મજબૂતી મળતી દેખાતી નથી.

સોમવારે બજારમાં ઘટાડો થવા માટેના આ 5 મુખ્ય કારણો બહાર આવ્યા છે, જે નીચે પ્રમાણે છે…

ચીનમાં નવો વાયરસઃ ચીનમાં ફરી એકવાર નવો વાયરસ સામે આવ્યો છે, જેના કારણે રોકાણકારો ગભરાઈ ગયા છે. ભારતીય બજારમાં ઘટાડાનું આ એક મોટું કારણ કહેવાય છે, કારણ કે ચીનમાં ફેલાયેલા આ નવા વાયરસનો પહેલો કેસ બેંગલુરુમાં જોવા મળ્યો છે. જો કે આ એક શરૂઆતનો તબક્કો છે અને સરકાર સતર્ક છે, પરંતુ રોકાણકારોના મનમાંથી અગાઉની કોરોના મહામારીનો ડર ગયો નથી.

વૈશ્વિક અર્થતંત્રમાં વધઘટઃ તાજેતરમાં જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કેટલીક અસ્થિરતા જોવા મળી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકામાં શપથ લેશે, તેના પર આખી દુનિયાની નજર છે. જો ટ્રમ્પ કડક નિર્ણય લેશે તો તેની અસર વૈશ્વિક બજાર પર પડશે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારોઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 76.66 ડૉલર પર પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 74.14 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્ર માટે આ સારા સંકેત નથી. જો ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે તો તેની અસર ભારતમાં જોવા મળશે. ખાસ કરીને મોંઘવારી દરમાં વધારો થવાની શક્યતા વધી જશે.

ડૉલર સતત મજબૂત થઈ રહ્યો છે: ડૉલરનું મજબૂત થવું એ ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત નથી. હાલમાં એક ડૉલરની કિંમત વધીને 85.82 રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે નિકાસ અને આયાત બંનેને અસર થઈ રહી છે. જેની સીધી અસર સરકારી તિજોરી પર પડી રહી છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા પણ વેચાણ ચાલુ છે. ભારતીય બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા દરરોજનું વેચાણ છે.

ત્રીજા ક્વાર્ટરના પરિણામો અંગે સસ્પેન્સઃ આ સપ્તાહથી ભારતીય કંપનીઓ ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કરવાનું શરૂ કરશે. TCS સહિત ઘણી મોટી કંપનીઓ આ અઠવાડિયે તેમના પરિણામો રજૂ કરશે, આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક HDFCએ ત્રીજા ક્વાર્ટર માટે અપડેટ આપ્યું છે, જે નબળા દેખાય છે. જેના કારણે આજે બજારનું સેન્ટિમેન્ટ બગડી ગયું છે.

આ તમામ કારણોની મિશ્ર અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. રોકાણકારો માટે ધીરજ અને સમજદારી રાખવાનો આ સમય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, લાંબા ગાળે બજાર ફરી સ્થિર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, રોકાણકારોને તેમના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર રાખવાની સલાહ આપવામાં આવે છે.

નોંધઃ શેરબજારમાં તમારા પૈસાનું કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, તમારે તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

Leave a Reply