ગયા વર્ષે સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ રિલીઝ થઈ હતી. આ એક મહત્વાકાંક્ષી ફિલ્મ હતી જે મોટા પાયે બનાવવામાં આવી હતી. જેને 10 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ આવી અને ખૂબ જ ખરાબ રિવ્યુ મળ્યા હતા. પૈન ઇન્ડિયાની ફોર્મ્યુલા બિનઅસરકારક સાબિત થઇ. વિવેચકોએ ભલે સૂર્યાના કામની પ્રશંસા કરી છતાં, પરંતુ ‘કંગુવા’ને તેની સૌથી નબળી ફિલ્મમાં ગણવામાં આવી હતી. જ્યોતિકાએ કહ્યું કે, ફિલ્મને જે નેગેટિવ રિવ્યુ મળી રહ્યા છે, તે કોઈક દુષ્પ્રચારનો ભાગ છે. ફિલ્મ આવી અને ગઈ. મામલો આગળ વધ્યો. સૂર્યાની આગામી ફિલ્મ ‘રેટ્રો’નું ટીઝર પણ બહાર આવી ગયું છે. પરંતુ હવે ‘કંગુવા’ પર સમાચાર આવ્યા છે કે, તે ઓસ્કાર સુધી પહોંચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે, આ કેવી રીતે શક્ય છે. કોઈએ લખ્યું કે શું તે સૌથી ખરાબ ફિલ્મોની શ્રેણીમાં ત્યાં ગઈ છે. આખી વાત એ છે કે, એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષના ઓસ્કાર એવોર્ડ માટે લાયક ફિલ્મોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વિશ્વભરમાંથી કુલ 323 ફિલ્મો છે. જો પસંદ કરવામાં આવશે તો, આ ફિલ્મો વિવિધ કેટેગરીમાં સ્પર્ધા કરશે. આ 323 ફિલ્મોમાંથી 207 ફિલ્મો શ્રેષ્ઠ ચિત્ર શ્રેણી માટે પાત્રતા ધરાવે છે.
એવું નથી કે, આ યાદીમાં ‘કંગુવા’ એકમાત્ર ભારતીય ફિલ્મ છે. આ સિવાય ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આદુજીવીતમ’, ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ અને ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ જેવી ફિલ્મોના નામ પણ આ યાદીમાં છે. કિરણ રાવની ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’ને ભારત તરફથી સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. પરંતુ તે રેસમાંથી બહાર થઇ ગઈ હતી. કોઈપણ બિન-અમેરિકન ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની બે મુખ્ય રીતો હોય છે. સૌપ્રથમ, સરકારી સંસ્થા દ્વારા રચાયેલી જ્યુરીએ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે તેના દેશમાંથી એક ફિલ્મ મોકલવી જોઈએ. બીજી રીત એ છે કે, નિર્માતાઓ પણ પોતાની ફિલ્મો જાતે સબમિટ કરી શકે છે. ઓસ્કાર જ્યુરી તેને જોશે અને તેને આગળ મોકલશે અથવા તે મુજબ તેને નકારી કાઢશે. સૂર્યાની ‘કંગુવા’ આ રીતે ઓસ્કારમાં મોકલવામાં આવી છે.
ઓસ્કાર નોમિનેશન માટે વોટિંગ 08 જાન્યુઆરી 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. આ મતદાન 12 જાન્યુઆરીના રોજ બંધ થશે. તે પછી, 17 જાન્યુઆરીએ ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્કાર 2025નો સમારોહ 02 માર્ચ 2025ના રોજ યોજાવા જઈ રહ્યો છે.