પ્રયાગરાજ મહાકુંભમાં ઘણા સંતો અને ઋષિઓ પહોંચ્યા છે. અહીં વાયરલ થયેલી સુંદર છોકરી પણ ચર્ચામાં છે. હર્ષા રિચારિયા પોતાના લુક માટે પ્રયાગરાજમાં ખૂબ વાયરલ થઈ રહી છે. હર્ષાએ કહ્યું કે, મને લાગે છે કે મેં મારો દેખાવ ખૂબ જ સામાન્ય રાખ્યો છે, જે મને ગમે છે. જ્યારે મારા મહાદેવ આ રીતે જીવે છે, તો મારે પણ આ રીતે જીવવું પડશે. એ વાત મને તેમની સાથે જોડેલી રાખે છે. મેં આ લુક રેન્ડમલી રાખ્યો હતો, મને ખ્યાલ નહોતો કે તે આટલો વાયરલ થશે.
જ્યારે પૂછવામાં આવ્યું કે, પહેલા તમે ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર વાયરલ હતા, પરંતુ હવે તમે સાધ્વી તરીકે વાયરલ થઈ રહ્યા છો, તો તમને કેવું અલગ લાગી રહ્યું છે? આના પર હર્ષાએ કહ્યું કે, મને લાગે છે કે દરેકને તે ગમવું જ જોઈએ, કારણ કે જો કોઈ સનાતન સાથે જોડાયેલું હોય અને સનાતન વિશે વાત કરે, સંસ્કૃતિ વિશે વાત કરે, તો આનાથી સારું શું હોઈ શકે.
કેટલાક લોકો ટ્રોલિંગ કરે છે, આવા લોકો માટે હર્ષાએ કહ્યું કે હું તેમને સકારાત્મક રીતે લઈ રહી છું. મને કોઈ ખાસ ફરક નથી પડતો. જે વસ્તુઓ તેઓ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે. મને ખબર છે, મારો પરિવાર જાણે છે, મારા ગુરુદેવ જાણે છે. મારા મહાદેવ જાણે છે કે, તે વસ્તુઓમાં કેટલું સત્ય છે અને કેટલું નથી.
તેમણે કહ્યું કે મને નથી લાગતું કે જો તમારો પરિવાર, તમારા ગુરુદેવ, તમારા મહાદેવ બધું જ સારી રીતે જાણે છે, તો જે લોકો સમાજમાં દુષ્ટતા કે નકારાત્મક વિચારસરણી ફેલાવી રહ્યા છે, તેમને દરેક બાબતમાં સ્પષ્ટતા આપવાની જરૂર છે.
કોઈપણ વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. જ્યારે શ્રદ્ધા તમને બોલાવે છે, જ્યારે ધર્મ તમને બોલાવે છે, જ્યારે તમે સંસ્કૃતિ સાથે જોડાઓ છો, જ્યારે તમે ભક્તિ તરફ જાઓ છો, ત્યારે તેનો કોઈ રંગ નથી હોતો, કોઈ લિંગ નથી હોતો. વ્યક્તિ ગમે ત્યારે જોડાઈ શકે છે. વ્યક્તિનું ગમે ત્યારે હૃદય પરિવર્તન થઇ શકે છે.
હર્ષાએ કહ્યું કે, મેં મારા વાળમાં કેટલાક ફેરફારો કરાવ્યા છે. તેમાંથી અડધા મારા છે, અડધા મેં લગાવ્યા છે. હું હંમેશા મારા મનમાં મારા મહાદેવની છબી રાખું છું કે, જો મારા મહાદેવ આવા દેખાય છે, તો હું પણ એવી જ દેખાવા માંગુ છું. મને તેમની જટા ખૂબ ગમે છે. હું જટા બનાવવા માંગતી હતી, પણ પહેલા હું બીજા વ્યવસાયમાં હોવાથી, હું તે કરી શકતી ન હતી.
તેણે કહ્યું કે, હવે હું મારા વ્યવસાયને બાજુ પર રાખીને મારું અલગ જીવન જીવી રહી છું. હું ભક્તિની ભાવનામાં જીવી રહી છું. હું પૂરો સમય કપાળ પર ભસ્મ લગાવીને ફરું છું; હું ચંદન લગાવીને પણ ફરું છું. મેં ગુરુ પાસેથી દીક્ષા લીધી છે. મેં મંત્ર દીક્ષા લીધી છે, હું મંત્રનો જાપ કરું છું. હું સાધના કરું છું.
હર્ષાએ કહ્યું કે, હવે મારે પાર્લરમાં જવાની જરૂર નથી. હવે હું ઘરે મારા વાળ ધોઉં છું. એમાં થોડો સમય લાગતો હોય છે. તેમાં સમય વધારે લાગે છે. પણ તે સરળતાથી ધોવાઈ જાય છે. ખર્ચ પણ બહુ નથી થતો. હું મારી આંખોમાં લેન્સનો ઉપયોગ કરું છું. આ ફક્ત રંગીન લેન્સ નથી, આ પાવર લેન્સ છે, જેનો ખુબ જ વધારે પાવર છે. મને ચશ્મા આવેલા છે, પરંતુ મને ચશ્મા બિલકુલ પસંદ નથી. હવે કદાચ આ વર્ષે હું સર્જરી કરાવી લઈશ તો મારા લેન્સ પણ નીકળી જશે. જ્યાં સુધી સર્જરી ન થાય, ત્યાં સુધી હું લેન્સ પહેરીશ.
શું તમે સાધ્વી તરીકે ચાલુ રહેવા માંગો છો કે, તમારા પાછલા વ્યવસાયમાં પાછા ફરવા માંગો છો? આ પ્રશ્નના જવાબમાં હર્ષાએ કહ્યું કે હું આ વિશે કંઈ કહી શકતી નથી, કારણ કે વ્યક્તિ પોતે જાણતી નથી કે તેનું ભાગ્ય તેને ક્યારે અને ક્યાં લઈ જશે, પરંતુ હું એટલું જાણું છું કે, જો ભાગ્ય અને ભગવાન મને અહીં સુધી લઈને આવ્યા છે, તો તેમણે મને આ માર્ગ પર આગળ વધવા માટે મારા ભાગ્યમાં લખ્યું હશે.
હર્ષાએ કહ્યું કે, આપણો સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ ખૂબ જ સુંદર છે. મને લાગે છે કે, વધુને વધુ લોકોએ તેમની સંસ્કૃતિને જાણવી જોઈએ, તેને સમજવી જોઈએ અને તેનો પ્રચાર કરવો જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, હર્ષા રિચારિયા નિરંજની અખાડા સાથે સંકળાયેલા છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયો હતો. આ પછી તે મધ્યપ્રદેશના ભોપાલ શિફ્ટ થઈ ગઈ. તેના માતા-પિતા ભોપાલમાં જ રહે છે. હર્ષાએ ઘણા સમય સુધી મુંબઈ અને દિલ્હીમાં રહીને કામ કર્યું છે. આ પછી તેનું મન આધ્યાત્મિકતા તરફ વળ્યું. તે ઘણા સમયથી ઉત્તરાખંડમાં રહીને સાધના કરી રહી છે.