દક્ષિણ આફ્રિકામાં બંધ પડેલી સોનાની એક ખાણમાં ગેરકાયદેસર ખોદકામ કરી રહેલા 100થી વધુ લોકો ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. જ્યારે આ ખાણમાં હજુ પણ 500થી વધુ કામદારો ફસાયેલા હોવાનું કહેવામાં આવે છે. ખાણિયાઓનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે જણાવ્યું હતું કે, આ લોકો મહિનાઓથી અહીં ફસાયેલા છે અને પોલીસ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
માઇનિંગ અફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ (MACUA)ના પ્રવક્તા સબેલો મંગુનીએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીએ ખાણમાં ફસાયેલા કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકના સેલફોનમાં બે વીડિયો હતા. જેમાં જમીન નીચે પ્લાસ્ટિકમાં લપેટાયેલા ડઝનબંધ મૃતદેહો દેખાતા હતા. મંગુનીના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં ખાણમાં ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં પોલીસે નવેમ્બરમાં પહેલીવાર ખાણિયાઓને બહાર કાઢવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. ભૂખ અને તરસને કારણે તેમનું મૃત્યુ થયું હોવાની આશંકા છે. 10 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ ખાણમાંથી 18 મૃતદેહો નીકાળવામાં આવ્યા છે.
સબેલો મંગુનીએ વધુમાં જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં નવ મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 12 જાન્યુઆરીએ વધુ 9 મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન 26 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન, પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર સેબાતા મોક્ગવાબોને જણાવ્યું હતું કે, 12 જાન્યુઆરીએ નવી બચાવ કામગીરી શરૂ કરાયા પછી અત્યાર સુધીમાં કેટલા મૃતદેહો મળી આવ્યા છે અને કેટલા લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે તેની તેઓ હજુ પણ ચકાસણી કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓને આશા છે કે, હવે બધા ખાણિયાઓને બહાર કાઢી લેવામાં આવશે.
સોનાની ખાણોથી સમૃદ્ધ દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં ગેરકાયદેસર ખાણકામ કરવું સામાન્ય છે. કંપનીઓ તે ખાણો બંધ કરી દે છે. જે હવે તેમના માટે નફાકારક નથી. આ પછી, ખાણકામ કરનારાઓના ઘણા જૂથો ગેરકાયદેસર રીતે તે ખાણોમાં પ્રવેશ કરે છે અને બાકીના ભંડારની શોધ કરે છે.
જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા સ્ટીલફોન્ટેન શહેર નજીક આવેલી ખાણમાં છેલ્લા બે મહિનાથી પોલીસ અને ખાણિયાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જ્યારે પોલીસે ખાણકામ કરનારાઓને બહાર કાઢવાનો અને ખાણ સીલ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે જણાવ્યું હતું કે, ખાણિયાઓ ધરપકડના ડરથી ‘બફેલ્સફોન્ટેન ગોલ્ડ માઇન’માંથી બહાર આવવાનો ઇનકાર કરી રહ્યા હતા. પરંતુ, સબેલો મંગુનીએ કહ્યું, પોલીસે તે દોરડા કાઢી નાખ્યા હતા. જેનો ઉપયોગ ખાણ કામદારો ખાણમાં નીચે જવા અને બહાર નીકળવા માટે કરતા હતા અને તેમને બળજબરીથી બહાર કાઢવાના પ્રયાસમાં, તેમનો ખોરાક પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
સબેલો મંગુનીના સંગઠન MACUA સહિત અન્ય ઘણા સંગઠનોએ પોલીસની આ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. આ અંગે MACUA કોર્ટમાં ગયું. ત્યાર પછી ડિસેમ્બરમાં કોર્ટે પોલીસ અને પ્રાંતીય અધિકારીઓને ખાણમાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી અને દવા મોકલવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો.