fbpx

5 વર્ષે RBIએ રેપો રેટ ઘટાડ્યા, હવે આટલા લાખની હોમ લોન પર મહિને 788ની બચત

Spread the love

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં આ પહેલી નીતિ હતી. તેમણે રેપો રેટ ઘટાડીને દેશને મોટી રાહત આપી છે. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે રેપો રેટ હવે 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. રેપોમાં ઘટાડાને કારણે હવે તમામ પ્રકારની લોન સસ્તી થશે. ખાસ કરીને જેમની પાસે હોમ લોન છે, તેમને મોટી રાહત મળવાની છે.

રેપો રેટમાં ઘટાડો કરતા પહેલા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, આ નિર્ણય અર્થતંત્ર અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે અને કેન્દ્રીય બેંક તેને મજબૂત રાખવા માટે સતત કાર્યરત છે.

તો આવો આપણે જાણીએ કે, RBIએ વ્યાજ દર ઘટાડ્યા પછી તમારી EMI કેટલી થશે?

જો તમે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય. જ્યારે મુદત 20 વર્ષ માટે છે, હાલમાં તમારો EMI રૂ. 17,356 હશે. પરંતુ RBIના 25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, લોનનું વ્યાજ હવે 8.25 ટકા થશે. આ આધારે, તમારો EMI હવે ઘટીને 17,041 રૂપિયા થશે, એટલે કે તમે દર મહિને 315 રૂપિયા બચાવી શકશો.

બીજી તરફ, જો તમે 20 વર્ષ માટે 8.50 ટકાના વ્યાજ દરે 30 લાખ રૂપિયાની લોન લીધી હોય, તો તમારે દર મહિને 26,035 રૂપિયાનો EMI ચૂકવવો પડતો હશે, પરંતુ RBI દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, આ માસિક EMI ઘટીને 25,562 રૂપિયા થઈ જશે. આ મુજબ, તમે દર મહિને લગભગ 473 રૂપિયા બચાવશો.

બીજી તરફ, જો કોઈએ 20 વર્ષ માટે 8.50 ટકા વ્યાજે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, તો તેણે દર મહિને 43,391 રૂપિયાનો EMI ચૂકવવો પડતો હશે, પરંતુ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, આ માસિક EMI 42,603 રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને 788 રૂપિયાની બચત થશે.

EMI ગણતરી સૂત્ર: P x R x (1+R)^N / [(1+R)^N-1], P=લોનની રકમ, N=લોનની મુદત (મહિનાઓમાં), R=માસિક વ્યાજ દર.

તમારી લોન પર વ્યાજ દર (R) માસિક ધોરણે ગણવામાં આવે છે. જેની ગણતરી તમે વાર્ષિક વ્યાજ દર/12/100 પદ્ધતિનો ઉપયોગ કરીને કરી શકો છો.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ છેલ્લે કોવિડના સમય (મે 2020) દરમિયાન દરમાં ઘટાડો કર્યો હતો, એટલે કે, રેપો રેટ લગભગ 5 વર્ષ પછીથી કાપવામાં આવી રહ્યો છે. જો આપણે ફેરફાર વિશે વાત કરીએ, તો ફેબ્રુઆરી 2023માં, રેપો રેટ વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો, ત્યારપછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

દરમિયાન, SBIના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં લોકોને EMI ઘટાડાની ભેટ મળશે. SBI પાસેથી હોમ લોન લેનારાઓને ટૂંક સમયમાં બેંક તરફથી EMIમાં ઘટાડાના સમાચાર મળશે. તેમણે કહ્યું કે, બેંક વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે.

error: Content is protected !!