

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડમાં અફઘાનિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યાંના ઘણા રાજકારણીઓએ અફઘાનિસ્તાન સામેની મેચનો વિરોધ કર્યો હતો. હકીકતમાં, જ્યારે 2021માં તાલિબાને ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન શરૂ કર્યું, ત્યારે ત્યાં મહિલા ક્રિકેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ICCના નિયમો અનુસાર, પુરુષોની ક્રિકેટ રમતા તમામ દેશોએ મહિલા ક્રિકેટને પણ પ્રોત્સાહન આપવું પડશે અને તેમની પાસે ઓછામાં ઓછી પોતાની એક ટીમ જરૂર હોવી જોઈએ. જોકે, અફઘાનિસ્તાનની મહિલા ટીમ મેદાનમાં ઉતરી શકી નથી તેને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ કારણે અફઘાનિસ્તાનની ટીમને સતત વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઘણી વખત અફઘાનિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કર્યો છે.

ગયા મહિને, બ્રિટિશ સાંસદોના એક જૂથે ઇંગ્લેન્ડને 26 ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ સ્ટેજ મેચનો બહિષ્કાર કરવા વિનંતી કરી હતી. દક્ષિણ આફ્રિકાના રમતગમત મંત્રી ગેટોન મેકેન્ઝીએ પણ તેનું સમર્થન કર્યું.


જોકે, ECBના ચેરમેન રિચાર્ડ થોમ્પસને કહ્યું કે, તેઓ સરકાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા પછી મેચ રમશે. તેમણે એમ પણ કહ્યું કે ક્રિકેટ સમુદાય એકલા અફઘાનિસ્તાનની સમસ્યાઓનો સામનો કરી શકે નહીં.

થોમ્પસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે સાંભળ્યું છે કે, ઘણા સામાન્ય અફઘાન નાગરિકો માટે, તેમની ક્રિકેટ ટીમને રમતા જોવી એ મનોરંજનના થોડા પ્રકારોમાંથી એક છે. અમે પુષ્ટિ આપી શકીએ છીએ કે અમે મેચ રમીશું.’
થોમ્પસને આગળ કહ્યું કે, ‘ECB અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટરો માટે ICC પાસેથી વધારાની નાણાકીય સહાય માંગશે. આ સાથે, અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને શરણાર્થી ટીમ તરીકે માન્યતા આપવાની પણ વાત કહી હતી.’

તાલિબાન કહે છે કે, તેઓ ઇસ્લામિક કાયદા અને સ્થાનિક રિવાજોના તેમના અર્થઘટન અનુસાર મહિલાઓના અધિકારોનું સન્માન કરે છે અને આ આંતરિક બાબતો છે, જેનો સ્થાનિક રીતે ઉકેલ લાવવો જોઈએ.
અહીં તમને બતાવી દઈએ કે, આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ પર સંકટના વાદળો છવાયેલા હતા, પરંતુ હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનથી તમામ વિવાદોનો અંત લાવી દીધો છે. આનાથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પણ ચોક્કસ રાહત મળી હશે.

