કર ઘટાડાથી 1 લાખ કરોડનું નુકસાન, તો ચોખ્ખી વસૂલાત 11 ટકા કેવી રીતે વધી?:ચિદમ્બરમ

Spread the love

પૂર્વ નાણામંત્રી P ચિદમ્બરમે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ બજેટમાં કોઈ વિઝન નથી, બલ્કે તે ફક્ત ચૂંટણીઓથી પ્રેરિત છે. આવકવેરામાં ઘટાડાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેનાથી માત્ર મધ્યમ વર્ગને જ નહીં, પરંતુ ધનિકોને પણ ઘણો ફાયદો થશે.

બજેટ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જો કર ઘટાડાથી 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, તો ચોખ્ખી વસૂલાત 11 ટકા કેવી રીતે વધશે. આ જાદુ છે કે ગણિત?

ચિદમ્બરમે રાજ્યસભામાં કહ્યું કે, બજેટમાં સૌથી વધુ ભાર આવકવેરામાં ઘટાડો કરવા પર મૂકવામાં આવ્યો છે, જ્યારે ફક્ત 3.2 કરોડ લોકો જ આવકવેરો ભરે છે. બાકીના લોકો રિટર્ન ફાઇલ કરે છે પણ કોઈ ટેક્સ ભરતા નથી. સરકારે કર મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી છે.

ચિદમ્બરમે કહ્યું કે, મારો અંદાજ છે કે આનાથી 80-85 લાખ લોકો ટેક્સના દાયરામાંથી બહાર થઇ જશે અને લગભગ 2.5 કરોડ લોકોને તેનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ લાભમાં માત્ર મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ ધનિક લોકો પણ શામેલ છે.

તેમણે કહ્યું, ‘આ 2.5 કરોડ લોકોમાં માત્ર મધ્યમ વર્ગનો જ સમાવેશ થતો નથી, જેની નાણામંત્રીએ ખૂબ જ ઉત્સાહથી હિમાયત કરી હતી, પરંતુ તેમાં 2,27,315 લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે 1 કરોડ રૂપિયાથી વધુના રિટર્ન ફાઇલ કર્યા છે. આમાં 100 કરોડ રૂપિયાથી વધુના રિટર્ન ફાઇલ કરનારા 262 વ્યક્તિઓ અને 500 કરોડ રૂપિયાથી વધુના રિટર્ન ફાઇલ કરનારા 23 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આનાથી ફક્ત મધ્યમ વર્ગને જ ફાયદો થશે એવું નથી પરંતુ સૌથી વધુ ધનિકોને પણ રાહત મળશે.

ચિદમ્બરમે કહ્યું કે બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ દાવો કર્યો હતો કે, તેમણે રૂ. 1 લાખ કરોડનું બલિદાન આપ્યું છે. આ પછી તેમણે દાવો કર્યો કે 2025-26માં કેન્દ્રની ચોખ્ખી કર આવકમાં 11.1 ટકાનો વધારો થશે. પ્રશ્ન એ છે કે, આ બજેટમાં રૂ. 1 લાખ કરોડ ઘટાડ્યા પછી, તેઓ કેવી રીતે દાવો કરે છે કે, કેન્દ્ર દ્વારા ચોખ્ખી કર આવક એ જ 11 ટકાના દરે વધશે? આ ફક્ત જાદુથી જ થઇ શકે છે.

આ દરમિયાન ચિદમ્બરમે કહ્યું કે, નાણામંત્રીને મારી નમ્ર સલાહ છે કે, વિકાસના ફક્ત એક જ એન્જિન પર આધાર રાખશો નહીં. નિકાસ અને મૂડી ખર્ચ જેવા અન્ય એન્જિનો છે જેને વધારવાની જરૂર છે.

સરકારી આંકડાનો ઉલ્લેખ કરીને, ભૂતપૂર્વ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 2012થી 2024 દરમિયાન, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો 6.18 ટકા, શિક્ષણમાં ફુગાવો 11 ટકા અને આરોગ્ય સેવાઓમાં ફુગાવો 14 ટકા હતો. તેમણે કહ્યું, ‘આનાથી ભારતીય પરિવારો અપંગ બની ગયા છે. સ્થાનિક બચત 25.2 ટકાથી ઘટીને 18.4 ટકા થઈ ગઈ છે.’ તેમણે મનરેગા અને અન્ય યોજનાઓ માટે ભંડોળ ન વધારવા માટે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી.

error: Content is protected !!