

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરામાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લાના કડીના ઝુલાસણ ગામમાં એક ડાયરાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ડાયરાનો કાર્યક્રમ ચાલું કરે તે પહેલા જ તેમને અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ તેમને એટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાર્યક્રમ પહેલા પણ માયાભાઈ આહિરને માઈનોર એટેક આવેલો, જેના કારણે આયોજકોએ તેમને પ્રોગ્રામ કરવાની ના પણ પાડી હતી. પરંતું માયાભાઈએ તેમના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી સ્તુતિ તેમના ચાહકો સામે પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ તબિયત લથડતા તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં માયાભાઈ આહિર તેમના દીકરા જયરાજના લગ્નને લઈ ખૂબ ચર્ચામાં છે. જયરાજના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જેમાં રાજકીય નેતાઓ સહિત અનેક કલાકારો, અને મોટી હસ્તીઓ પણ હાજર રહ્યા હતા. જયરાજના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં માયાભાઈ આહિર મનમૂકીને નાચ્યા હતા.

જયરાજના લગ્ન લાઠી મુકામે યોજાયા હતા. જેમાં માયાભાઈ આહિર મહેમાનોના સ્વાગત માટે ગેટ પર ઊભા હતા ત્યારે તેમના ખાસ જીગરી મિત્ર એવા કિર્તિદાન ગઢવીને આવતા જોઈ તેઓ દોડીને તેમને ભેટી પડ્યા હતા. જયરાજના લગ્નની વિધિ પાંચ દિવસની હતી, જેમાં દાંડિયા રાસ, ડાયરો, તથા અન્ય ખાસ પ્રસંગો સામેલ હતા.


