

રવિવારે બપોરે માધ્ય પ્રદેશમાં આવેલા છતરપુરમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં PWD વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નવા રસ્તાના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના હાથથી રસ્તાના ડામરને ઉખેડી નાખતો જોવા મળી રહ્યો છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 1 કરોડ 81 લાખ 25 હજાર રૂપિયાના ખર્ચે બનેલા 2.50 Km લાંબા નવા બનેલા ડામર રોડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નબળી ગુણવત્તાને કારણે, ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પોતાના હાથે રસ્તો ખોદવાનું શરૂ કર્યું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. આના કારણે જ્યારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો, ત્યારે કોન્ટ્રાક્ટરે તેના કર્મચારીઓને ઉખડી ગયેલા રસ્તાનું પેચવર્ક કરવા માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ, આ બાબતની માહિતી મળતાં, જાહેર બાંધકામ વિભાગ (PWD)ની તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રસ્તાનું નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોની વાત સાંભળીને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

હકીકતમાં, જિલ્લાના બિજાવર વિધાનસભા ક્ષેત્રમાં ઝમટુલી મુખ્ય માર્ગથી પુત્રાયણ પ્રવેશ માર્ગ સુધીના લગભગ અઢી કિલોમીટરના રસ્તાનું બાંધકામ માત્ર ચાર દિવસ પહેલા જ પૂરું કરવામાં આવ્યું હતું.
PWD વિભાગે 15 સપ્ટેમ્બર 2023ના રોજ પંકજ મિશ્રાની કંપનીને રસ્તાના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેની અંતિમ તારીખ 14 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી. પરંતુ રસ્તો સમયમર્યાદા પછીના 7 મહિના મોડો બનાવવામાં આવ્યો હતો અને તે પણ નબળી ગુણવત્તાનો હતો.

જેના કારણે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બાંધકામ પૂર્ણ થયાના ચાર દિવસ પછી પોતાના હાથે રસ્તો ખોદવાનું શરૂ કર્યું અને તેનો વીડિયો બનાવીને વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર અપલોડ કર્યો હતો. ત્યાર પછી ગભરાટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, અને આ બધું થયા પછી કોન્ટ્રાક્ટર પંકજ મિશ્રાએ તેના કર્મચારીઓ દ્વારા ઉખડી ગયેલા રસ્તાનું પેચિંગ પણ કરાવી દીધું હતું, જેના ફોટા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
જ્યારે કોન્ટ્રાક્ટરે પોતાની ખામીઓ છુપાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગ્રામજનોમાં ગુસ્સો જોવા મળ્યો. સરપંચના પ્રતિનિધિ રાજુ પટેલે જણાવ્યું હતું કે, આ આખો રસ્તો ફરીથી ખોદીને સારી ગુણવત્તાનો બનાવવો જોઈએ, જેથી તે લાંબા સમય સુધી ટકી શકે, કારણ કે પહેલા વરસાદમાં જ આ રસ્તો ધોવાઈ જશે.


