
શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન, ICICI પ્રુડેન્શિયલ AMCના અનુભવી ફંડ મેનેજર એસ નરેનના એક નિવેદને મ્યુચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે રોકાણકારોને સ્મોલકેપ અને મિડકેપ શેરોમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જવાની સલાહ આપી છે. એસ નરેને કહ્યું, આ સ્મોલ અને મિડકેપ શેરોમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો સમય છે. નરેને ગયા અઠવાડિયે ચેન્નાઈમાં મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશનના એક કાર્યક્રમ IFA ગેલેક્સી 2025 દરમિયાન આ વાત કહી હતી.
નાના રોકાણકારો માટે વધ્યું જોખમ
નરેનનું કહેવું છે કે પહેલા જોખમનો એક મોટો ભાગ બેંકો અને મોટી નાણાકીય કંપનીઓ પાસે હતો, પરંતુ હવે આ ખતરો નાના રોકાણકારોના માથા પર મંડરાઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે 2025નું વર્ષ 2008-2010 પછીનું સૌથી ખતરનાક વર્ષ બની શકે છે.
તેમણે કહ્યું કે પહેલા જ્યારે કંપનીઓને વિસ્તરણ અથવા સંપાદન માટે મૂડીની જરૂર પડતી હતી, ત્યારે તેઓ બેંકો પાસેથી ઉધાર લેતા હતા. હવે તેઓ રોકાણકારો પાસેથી સીધા નાણા એકત્ર કરી રહ્યા છે, પછી ભલે તે QIP ( ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ ) હોય અથવા IPO. તેના કારણે છૂટક રોકાણકારો પર જોખમનું દબાણ વધી ગયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફંડ મેનેજર પાસે જે આધારે રોકાણ આવે છે તે તેના આધારે રોકાણ કરે છે, પછી ભલે તે મિડ કેપ ફંડ હોય કે સ્મોલ કેપ ફંડ. આનો અર્થ એ થયો કે પહેલાથી જ ઊંચા મૂલ્યાંકન હોવા છતાં, આ સેગમેન્ટમાં નવા રોકાણો ચાલુ છે, જેના કારણે ઈક્વિટી મૂડી એકત્ર કરવાની રીતમાં વધુ વેગ આવ્યો છે.
નરેને એ વાત પર પણ ભાર મૂક્યો કે બેંકો ઓછામાં ઓછા જોખમો લઈ રહી છે, જે તેમની બેલેન્સ શીટ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે કહ્યું કે બધુ જોખમ તમારા જેવા રોકાણકારો ઉઠાવી રહ્યા છે. મને નથી લાગતું કે રોકાણકારો કે સંપત્તિ સંચાલકો હજુ સુધી આને સંપૂર્ણપણે સમજી શક્યા છે. આ એવી બાબત છે જેના વિશે હું દરેકને વિચારવા વિનંતી કરું છું.
SIP પર ઉઠાવ્યા પ્રશ્નો
આ ઉપરાંત નરેને એ દલીલને પણ પડકાર્યો કે SIP હંમેશા સારું વળતર આપે છે. તેમણે કહ્યું કે SIP ની વ્યૂહરચના હંમેશા સલામત હોતી નથી. નરેને કહ્યું કે SIP ત્યારે સૌથઈ સારું કામ કરે છે જ્યારે બજારો અસ્થિર હોય અને શેરોનું મૂલ્ય ઓછું છે. આ એક મહત્વપૂર્ણ પાસું છે જેના પર મ્યુચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રી વિચાર કરી રહ્યું નથી. આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોના મૂલ્યાંકન ખૂબ ઊંચા છે, પછી ભલે તેનું ગમે તે રીતે એનાલિસિસ કરી લો.
તેમણે 2013-14ના સમયગાળા સાથે સરખામણી કરતા કહ્યું, તે સમયે આ શેરો ખૂબ સસ્તા હતા, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોનો P/E રેશિયો 43 ગણો પહોંચી ગયો છે, જે ખૂબ વધું છે.
બજારમાં મંદીના સંકેતો
નરેનના મતે મિડ અને સ્મોલ કેપ શેરોમાં ઘટાડાના શરૂઆતના સંકેતો દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઘણા શેરો તેમની દૈનિક મૂવિંગ એવરેજ થી નીચે આવી ગયા છે અને બજારમાં ઊંચો લિવરેજ રોકાણકારો માટે એક મોટો પડકાર બની શકે છે.
તેમણે રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું, જો તમે 2023 પછી સ્મોલ અને મિડકેપ શેરોમાં SIP શરૂ કરી હોય, તો તમને નબળું વળતર મળવાનું જોખમ ખૂબ વધારે છે.
હાઈબ્રિડ ફંડ્સને કહ્યો સલામત વિકલ્પ
નરેન રોકાણકારોને હાઈબ્રિડ ફંડ્સ પર વિચાર કરવાની સલાહ આપે છે. તેમણે કહ્યું કે, જો તમે બજાર પ્રત્યે ઉત્સાહિત છો, તો ઈક્વિટી ડેટ હાઈબ્રિડ ફંડ્સ યોગ્ય પસંદગી હોઈ શકે છે. પરંતુ જો તમે સાવચેત રહેવા માંગતા હો, તો મલ્ટિએસેટ ફંડ્સ ખાસ કરીને સોનામાં રોકાણ કરતા ફંડ્સ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.