

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ આજે તેમનું રેકોર્ડ 16મું બજેટ રજૂ કર્યું. આમાં તેમણે લઘુમતીઓ માટે કેટલીક મોટી જાહેરાતો કરી, જેના પર BJP ગુસ્સે થઈ ગયો. હા, કોંગ્રેસ સરકારે લઘુમતી પરિવારોને લગ્ન માટે 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી. મસ્જિદોના ઇમામ તેમજ અન્ય લઘુમતી ધાર્મિક સ્થળોના વડાઓનું માનદ વેતન વધારીને 6,000 રૂપિયા કરવામાં આવશે. BJPએ આ અંગે પ્રહાર કર્યા છે.
કર્ણાટક સરકારના બજેટ પર BJPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીએ મોર્ડન મુસ્લિમ લીગનું બજેટ પસાર કર્યું છે. આમાં કોંગ્રેસ પાર્ટી ઇમામોના પગારમાં 6000 રૂપિયાનો વધારો કરી રહી છે. આમાં, વક્ફને 150 કરોડ રૂપિયા આપવામાં આવશે. સ્વરક્ષણ તાલીમ માટે પૈસા ફક્ત લઘુમતી છોકરીઓને જ આપવામાં આવી રહ્યા છે… 1000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ફક્ત લઘુમતી છોકરીઓ માટે જ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ઉર્દૂ સ્કૂલ માટે 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જ સરકારે હુબલી રમખાણોનો કેસ પાછો ખેંચવાની વાત કરી છે. ભંડારીએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં એ જ રીતે સરકાર ચલાવી રહી છે જે રીતે મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાનમાં સરકાર ચલાવી હતી.

છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણના દુખાવાથી પીડાતા CMએ વિધાનસભામાં બેઠા બેઠા બજેટ રજૂ કર્યું. CMએ રાજ્ય કોંગ્રેસ સરકારની પાંચ ગેરંટી યોજનાઓનો મજબૂત બચાવ કર્યો અને રાજ્યના નાણાકીય પડકારો માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, બજેટ વિકાસલક્ષી છે. વર્ષ 2025-26ના બજેટમાં કુલ ખર્ચ 4,09,549 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમાં 3,11,739 કરોડ રૂપિયાનો મહેસૂલ ખર્ચ, 71,336 કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ અને 26,474 કરોડ રૂપિયાની લોન ચુકવણીનો સમાવેશ થાય છે.
CM સિદ્ધારમૈયાએ કહ્યું કે, આર્થિક વિકાસને લોકોના કલ્યાણ સાથે સંતુલિત કરીને ઉપલબ્ધ સંસાધનોને બધા માટે સુલભ બનાવવાની જવાબદારી સરકારની છે. વહીવટીતંત્ર ‘યુનિવર્સલ બેઝિક ઇન્કમ’ના ખ્યાલ દ્વારા કર્ણાટકના વિકાસ મોડેલને આકાર આપી રહ્યું છે. તેમણે કહ્યું, ‘અમે જે ઘણા કલ્યાણકારી કાર્યક્રમો ઓફર કરીએ છીએ, જેમાં પાંચ ગેરંટી સહીત ઘણી વસ્તુઓ કઈ મફતમાં નથી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, આ આર્થિક અને સામાજિક સિદ્ધાંતો પર કરવામાં આવેલા વ્યૂહાત્મક રોકાણો છે.’

CMએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ છ મુખ્ય વિકાસલક્ષી પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કલ્યાણ કાર્યક્રમ બજેટ, કૃષિ અને ગ્રામીણ વિકાસ બજેટ, વિકાસલક્ષી બજેટ, શહેરી વિકાસને પ્રાથમિકતા, રોકાણ અને રોજગાર સર્જન અને શાસન સુધારણા કાર્યક્રમોનો અમલ. તેમણે કહ્યું કે, કર્ણાટક તેની સમજદાર રાજકોષીય નીતિ, દેવા વ્યવસ્થાપન અને રાજકોષીય શિસ્તનું પાલન કરવા માટે જાણીતું છે.
તેમણે કહ્યું કે, આ દેશનું પહેલું રાજ્ય છે જેણે કુલ જવાબદારીઓમાં બજેટ બહારના ઉધારનો સમાવેશ કર્યો છે. જોકે, તેમણે કહ્યું કે, ‘GST મહેસૂલ ખાધને સંપૂર્ણપણે ભરપાઈ કરવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા, સેસ અને સરચાર્જનું ટ્રાન્સફર ન થવું અને 15મા નાણાપંચમાંથી ઓછા કર ટ્રાન્સફરથી રાજ્યના નાણાકીય પડકારો વધુ વકરી ગયા છે. પરિણામે, કર્ણાટક સામાજિક ન્યાય સાથે લાંબા ગાળાની વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મહેસૂલ પડકારોનો સામનો કરી રહ્યું છે.’
તેમણે કહ્યું કે, કર્ણાટકે કર ટ્રાન્સફરમાં પોતાનો હિસ્સો વધારવા માટે 16મા નાણાપંચ સમક્ષ મજબૂત દાવો રજૂ કર્યો છે. CMએ કહ્યું કે, તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં ગેરંટી માટે 51,034 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તેમણે કહ્યું કે, અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમે છેલ્લા બે બજેટમાં કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP)ના 3 ટકા અને દેવા-GSDP ગુણોત્તર 25 ટકાના સમજદાર રાજકોષીય ખાધના ધોરણોમાં ગેરંટીનું સંચાલન કર્યું છે.

તેમણે રાજ્યભરમાં સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે 8,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે CM માળખાગત વિકાસ કાર્યક્રમ નામની નવી યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી. આમાં, રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં નાની સિંચાઈ, રસ્તાઓ અને શહેરી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બજેટ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 માટે મહેસૂલ ખાધ રૂ. 19,262 કરોડ હોવાનો અંદાજ છે, જે GSDPના 0.63 ટકા છે. રાજકોષીય ખાધ રૂ. 90,428 કરોડ હોવાનો અંદાજ છે, જે GSDPના 2.95 ટકા છે.
નાણાકીય વર્ષ 2025-26ના અંતે કુલ જવાબદારીઓ રૂ. 7,64,655 કરોડ હોવાનો અંદાજ છે, જે GSDPના 24.91 ટકા છે. CMએ કહ્યું, ‘કર્ણાટક રાજકોષીય જવાબદારી અધિનિયમ હેઠળ નિર્ધારિત મર્યાદામાં રાજકોષીય ખાધ અને કુલ બાકી જવાબદારીઓ રાખીને, અમે નાણાકીય વર્ષ 2025-26માં રાજકોષીય શિસ્ત જાળવી રાખી છે.’