નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘માસ્ટર ક્લાસ ઓન ફીટલ અલ્ટ્રા સાઉન્ડ’ વિષય પર કોન્ફરન્સ યોજાઈ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

તંદુરસ્ત બાળક જન્મે અને સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિનામૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ: ડો.બિનોદીની ચૌહા

માહિતી બ્યુરો,સુરત: રવિવાર: ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન થઈ શકે એ માટે ફીટલ મેડિસીનની અગત્યતા સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કર્ણાટકના બેંગ્લોરના વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિની ઉપસ્થિતમાં ‘માસ્ટર ક્લાસ ઓન ફીટલ અલ્ટ્રા સાઉન્ડ’ વિષયક કોન્ફરન્સ યોજાઈ હતી. 

નવી સિવિલના ફીટલ મેડિસીન વિભાગ અને રેડિયોલોજી વિભાગના ઉપક્રમે નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફીટલ મેડિસીન તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિએ જણાવ્યું હતું કે, ફીટલ મેડિસીન અંતર્ગત ગર્ભાવસ્થા પહેલા, ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા અને ગર્ભના સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને. તેમણે કહ્યું કે, ફીટલ મેડિસીનમાં ફીટલ MRI દ્વારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સહિત ડાયગ્નોસ્ટિક પ્રોસેસ થકી ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સચોટ અર્લી ડિટેક્શન (આગોતરી જાણ) થઈ શકે છે. ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે. 

ડો.રામામૂર્તિએ જણાવ્યું કે, આંતરડાની ખોડખાંપણ સોનોગ્રાફીમાં ડાયગ્નોસ કરવી અઘરી છે. જેનું ફીટલ MRIમાં સચોટ નિદાન થઈ શકે છે. અલ્ટ્રાફાસ્ટ ફેટલ MRI માં “સ્નેપશોટ” તકનીકનો ઉપયોગ કરીને હાઈ રિઝોલ્યુશન ઈમેજ ઝડપથી કેપ્ચર કરવામાં આવે છે. ડો.રામામૂર્તિએ ફીટલ MRI લાઈવ સ્કેન કરીને ઉપસ્થિત રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ફીટલ મેડિસીનના પોસ્ટ ગ્રેજ્યુએટસ અને ફેલોશિપ કરતા વિદ્યાર્થીઓ, અન્ય તબીબોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. 

ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગર્ભસ્થ શિશુને કોઈ આંતરિક સમસ્યા સર્જાય તો વહેલું નિદાન થવાથી યોગ્ય સારવાર શક્ય બનતી હોય છે. જે માટે ફીટલ MRI આશીર્વાદરૂપ બને છે. એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં તંદુરસ્ત બાળક જન્મે અને નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિના મૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. 

આ કોન્ફરન્સમાં નવી સિવિલના રેડિયોલોજી વિભાગના વડા ડો. પૂર્વી દેસાઈ, ડો.રાગિણી વર્મા, ડો.પ્રફુલ જોશી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત ૨૦૦ જેટલા રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, અન્ય તબીબો, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

error: Content is protected !!