

મંગળવારે પણ રાજ્યસભામાં નવી શિક્ષણ નીતિ અને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મંત્રીના નિવેદનની નિંદા કરી અને જ્યારે તેમને ડેપ્યુટી સ્પીકરે બોલતા અટકાવ્યા ત્યારે ખડગેએ કહ્યું કે, અહીં સરમુખત્યારશાહી ચાલી રહી છે. આના પર, જ્યારે તેમને ફરીથી અધ્યક્ષ દ્વારા અટકાવવામાં આવ્યા, ત્યારે ખડગેએ કહ્યું કે, શું શું ઠોકવાનું છે, અમે તેને બરાબર ઠોકીશું, અમે સરકારને પણ ઠોકીશું.

રાજ્યસભામાં ગૃહના નેતા JP નડ્ડાએ ખડગેના નિવેદનની નિંદા કરી અને કહ્યું કે, વિપક્ષના નેતા તરફથી આસન પર બેઠેલા માટે આવી ભાષા કોઈપણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી અને તેમણે તેના માટે માફી માંગવી જોઈએ. તેમણે ઉપાધ્યક્ષ હરિવંશ પાસેથી માંગ કરી કે, ગૃહની કાર્યવાહીમાંથી આવા શબ્દો દૂર કરવા જોઈએ. તેમણે કહ્યું કે આવી ભાષા ખૂબ જ નિંદનીય છે અને માફીને પાત્ર પણ નથી. નડ્ડાના નિવેદનના સમર્થનમાં શાસક પક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
આ પછી, ખડગે ગૃહમાં ઉભા થયા અને કહ્યું કે મેં આસન પર બેસેલા માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. તેમણે ડેપ્યુટી સ્પીકરને કહ્યું કે, જો તમને મારા શબ્દોથી દુઃખ થયું હોય તો હું તેના માટે તમારી માફી માંગુ છું. પણ મેં સરકારની નીતિઓ માટે ‘ઠોકો’ શબ્દ વાપર્યો હતો, કે અમે સરકારની નીતિઓને ઠોકીશું. તેમણે કહ્યું કે, હું તમારી પાસે માફી માંગવા તૈયાર છું, પણ સરકાર પાસે માફી નહીં માંગું.

ખડગેએ વધુમાં કહ્યું કે, જો મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તમિલનાડુના લોકોને અસંસ્કારી કહે છે અને તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો આવા મંત્રીને રાજીનામું આપવાનું કહેવું જોઈએ. આ લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે છે. આ પછી, JP નડ્ડાએ ખડગેની માફીની પ્રશંસા કરી, પરંતુ કહ્યું કે જો તેમણે સરકારની નીતિઓ વિશે આવું જ કંઈક કહ્યું હોય, તો તેને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવું જોઈએ.
ગૃહમાં હોબાળો શાંત થયા પછી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ અને BJPના સાંસદ ઘનશ્યામ તિવારીએ શિક્ષણ મંત્રાલયના કામકાજ સાથે સંબંધિત મુદ્દા પર બોલવાનું શરૂ કર્યું. આ મુદ્દો અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ગઈકાલે નવી શિક્ષણ નીતિ પર બોલતા, ધર્મેન્દ્ર પ્રધાને DMKને એક અસંસ્કારી અને અલોકતાંત્રિક પક્ષ ગણાવ્યો હતો, ત્યારપછીથી આ વિવાદ સતત ચાલુ જ છે.