

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ સિવિલ કેસોને વારંવાર ફોજદારી કેસમાં રૂપાંતરિત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસની ઝાટકણી કાઢી છે. CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે અને કાયદાનું શાસન ભંગાણ તરફ જઈ રહ્યું છે. કોર્ટે એક કેસમાં ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી અને ઉત્તર પ્રદેશના DGP પ્રશાંત કુમાર અને તપાસ અધિકારીને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. CJI સંજીવ ખન્નાએ એમ પણ કહ્યું કે, તપાસ અધિકારી (IO)ને કઠેડામાં ઉભા કરવા જોઈએ અને તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવો જોઈએ. અધિકારીઓને પણ પાઠ ભણાવવો જોઈએ.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો ચેક બાઉન્સ સાથે સંબંધિત છે. પોલીસે સિવિલ કેસને ફોજદારી કેસમાં રૂપાંતરિત કર્યા પછી સમન્સ બહાર પાડયું હતું અને ચાર્જશીટ દાખલ કરી હતી. અરજદારે આની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી અને આરોપ લગાવ્યો કે, પોલીસે કેસ બદલવા માટે લાંચ લીધી.

CJI સંજીવ ખન્નાએ કહ્યું, ‘UPમાં જે કંઈ થઈ રહ્યું છે, તે ખોટું છે. દરરોજ, સિવિલ કેસ ફોજદારી કેસોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. આ વાહિયાત છે, ફક્ત પૈસા ન ચૂકવવાને ગુનો ન બનાવી શકાય. હું તપાસ અધિકારીને સાક્ષીના કઠેરામાં આવવા કહીશ. તપાસ અધિકારીને સાક્ષીના કઠેરામાં ઊભા રહેવા દો અને ગુનાનો કેસ બનાવવા દો. અમે દિશા નિર્દેશો આપીએ છીએ, તેને પાઠ શીખવા દો, આ રીતે તમે ચાર્જશીટ દાખલ કરો છો તે રીત બરાબર નથી. CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દર વખતે આવું થઈ રહ્યું છે, તે ખૂબ જ વિચિત્ર છે.

ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, હું DGPને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા કહીશ. આ ખોટું છે. અમે આ કેસને અવગણી રહ્યા છીએ, પણ હવે જો ઉત્તર પ્રદેશમાં કોઈ પણ આવો કેસ આવશે તો અમે પોલીસ પર દંડ લગાવીશું. આ પહેલી વાર નથી જ્યારે મુખ્ય ન્યાયાધીશે સિવિલ કેસોને ફોજદારી કેસમાં રૂપાંતરિત કરવાના વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેમણે કહ્યું હતું કે, આ પ્રથા કેટલાક રાજ્યોમાં અસ્તિત્વમાં છે. તેમણે કહ્યું હતું કે, સિવિલ કેસોનું વારંવાર ફોજદારી કેસોમાં રૂપાંતર થવાથી ન્યાયતંત્ર પર એવા કેસોનો બોજ પડે છે, જે સિવિલ અધિકારક્ષેત્ર દ્વારા સંભાળી શકાય છે.

CJI સંજીવ ખન્નાએ DGP અને IOને ચુકાદામાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અંગે સોગંદનામું રજૂ કરવા કહ્યું અને IOએ કોર્ટમાં હાજર રહીને કેસમાં પોતાનું નિવેદન નોંધાવવું પડશે. આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ કેસ 5 મે સુધી ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
UP પોલીસના વકીલે કોર્ટના નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, તેમને સોગંદનામું રજૂ કરવા દો અને કહ્યું કે, આરોપીઓ સામેની કાર્યવાહી ત્યાં સુધી સ્થગિત રહેશે.