

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ સમગ્ર વિશ્વમાં ફરી ડાઉન થયું છે. સોમવારે આ ત્રીજી વખત છે જ્યારે X ઠપ્પ થઈ ગયું છે. જેના કારણે યુઝર્સ લોગ ઇન કરવામાં અસમર્થ રહ્યા. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ઘણા યુઝર્સે ફરિયાદો નોંધાવી છે.
મસ્કે દાવો કર્યો હતો કે X પર સાયબર હુમલો યુક્રેન પ્રદેશથી શરૂ થયો હતો. આનાથી સેવામાં વિક્ષેપ થયો અને સાયબર સુરક્ષાના જોખમો અંગે ચિંતાઓ ઊભી થઈ. ફોક્સ ન્યૂઝ પર લૈરી કુડલો સાથેની વાતચીત દરમિયાન, મસ્કે કહ્યું, “અમને બરાબર ખબર નથી કે શું થયું છે, પરંતુ યુક્રેનના પ્રદેશમાંથી ઉદ્ભવતા IP સરનામાઓ સાથે X સિસ્ટમને નીચે લાવવા માટે એક મોટો સાયબર હુમલો થયો હતો.”
ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ અનુસાર, આ સમસ્યા સૌપ્રથમ બપોરે 3:30 વાગ્યે થઈ, ત્યારબાદ સાંજે 7 વાગ્યે લોકોને લોગ ઈન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. 8:44 વાગ્યે X ફરીથી ત્રીજી વખત ડાઉન થયું. લોકોને અલગ-અલગ જગ્યાએ એપ અને સાઈટ પર સમસ્યાનો સામનો કરવો પડ્યો. વિશ્વના ઘણા દેશોમાં યુઝર્સે X વિશે ફરિયાદ કરી.

યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત સહિત ઘણા દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી હતી. વૈશ્વિક સ્તરે 40,000 થી વધુ વપરાશકર્તાઓએ સેવામાં વિક્ષેપની જાણ કરી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અહેવાલ આપે છે કે 56 ટકા યુઝર્સો એપ્લિકેશન સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે 33 ટકા વેબસાઈટ સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અન્ય 11 ટકાએ સર્વર કનેક્શન્સ સાથે સમસ્યાઓની જાણ કરી.
શરૂઆતમાં, X એ આ મુદ્દાનો સ્વીકાર કર્યો ન હતો. અને યુઝર્સે સમસ્યાઓની જાણ કરવાનું ચાલુ રાખ્યું. આ સમસ્યાએ યુઝર્સને ખૂબ નિરાશ કર્યા. તેમનું કહેવું છે કે કંપની તરફથી જવાબદારીનો અભાવ છે.

એલોન મસ્કે X ના ડાઉનિંગ પર પ્રતિક્રિયા આપતા X પર પોસ્ટ કર્યું છે. મસ્કે લખ્યું કે અમારી વિરુધ્ધ જોરદાર સાયબર એટેક થયો. અમારી ઉપર ઘણા સંસાધનો સાથે સાયબર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કોઈ મોટું જૂથ અથવા દેશ સામેલ છે.