

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના કેબિનેટ મંત્રી અરવિંદ શર્મા અને ભાજપના ધારાસભ્ય રામકુમાર ગૌતમ એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ગોહાનાની પ્રખ્યાત જલેબીથી શરૂ થયેલી વાતચીત, ગોબર સુધી પહોંચી ગઇ હતી. પરસ્પર નોંકઝોક દરમિયાન સદનની અંદર અભદ્ર શબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેને બાદમાં વિધાનસભાના અધ્યક્ષે સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા.

વાસ્તવમાં, જીંદના સફીદોથી ભાજપના ધારાસભ્ય રામકુમાર ગૌતમે ગોહાનાની જલેબીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એવું કહેવાય છે કે ગોહાનાની જલેબી દેશી ઘીથી બને છે, પરંતુ એવું નથી. ત્યાં દેશી ઘીની જગ્યાએ અન્ય વનસ્પતિ તેલોનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ જ ગંદકી છે, કોઈ ભૂલથી પણ ગોહાનાની જલેબી ન ખાય. તેના પર કેબિનેટ મંત્રી અરવિંદ શર્માએ પલટવાર કરતા કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય રામ કુમાર ગૌતમે તો શરત લગાવીને 10 કિલો ગોબર પણ ચટ કરી ગયા હતા. રામકુમાર ગૌતમ તેનાથી એટલા ગુસ્સે થઇ ગયા કે તેમણે પોતાની જ સરકારના મંત્રી અરવિંદ શર્મા પર એક બાદ એક ભ્રષ્ટાચારનો આરોપ લગાવી દીધા.
રામકુમાર ગૌતમે કહ્યું કે, અરવિંદ શર્માએ પેટ્રોલ પંપ અપાવવાના નામ પર પૈસા લીધા હતા, મારા સંબંધી પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. અરવિંદ શર્મા મંત્રી બન્યા, પરંતુ મંત્રી બનવા માટે લાયક નથી. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ હરવિન્દ્ર કલ્યાણે કડક સ્વરમાં કહ્યું કે, આ પ્રકારનું વર્તન સદનમાં માન્ય નથી. તેમણે અરવિંદ શર્મા તરફથી રામકુમાર ગૌતમ પર કરવામાં આવેલી ટિપ્પણીમાં ઉપયોગ થયેલા શબ્દોને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધા.

તેમણે કહ્યું કે, સદનમાં આવા વ્યવહાર માટે કોઈ જગ્યા નથી. આ ઘટનાએ વિધાનસભામાં એક અસહજ સ્થિતિ ઉત્પન્ન કરી દીધી, પરંતુ સ્પીકરની કાર્યવાહીએ વિવાદ કેટલીક હદ સુધી શાંત કર્યો હતો.