fbpx

આગ લાગી, પુલ તૂટ્યો, બાળકો ડૂબ્યા… પણ કોઈ નેતા જવાબદારી સ્વીકારી રાજીનામું કેમ નથી આપતા?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
આગ લાગી, પુલ તૂટ્યો, બાળકો ડૂબ્યા... પણ કોઈ નેતા જવાબદારી સ્વીકારી રાજીનામું કેમ નથી આપતા?

આગ લાગી, પુલ તૂટ્યો, તળાવમાં બાળકો ડૂબ્યા, દીકરીઓ પર બળાત્કાર થયા… આવી ઘટનાઓ વિશે સાંભળવું હવે રોજિંદું બની ગયું છે. ગુજરાત જેવા રાજ્યમાં જે પોતાને પ્રગતિશીલ અને વિકાસના મોડલ તરીકે જાણીતું છે ત્યાં આવી દુર્ઘટનાઓની શ્રેણી નાગરિકોના મનમાં એક સવાલ ઉભો કરે છે કે, આ બધું થાય છે ત્યારે આપણે જેમને મત આપીને ચૂંટ્યા તે નેતાઓ ક્યાં હોય છે? શું તેમની જવાબદારી માત્ર ચૂંટણી જીતવા અને સત્તા ભોગવવા પૂરતી જ છે? લોકશાહીમાં આપણે નેતાઓને આપણા સેવકો તરીકે ચૂંટીએ છીએ પણ જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આ સેવકો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવાથી કેમ દૂર ભાગે છે?

1674553395Morbi_Bridge_Collapse

ભારતના ઇતિહાસમાં એવા ઘણા નેતાઓ રહ્યા છે જેમણે મુશ્કેલ સમયે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપવાનું હિંમતભર્યું પગલું ભર્યું.

ઉદાહરણ તરીકે… લાલ બહાદુર શાસ્ત્રીજી જ્યારે તેઓ 1956માં રેલવે મંત્રી હતા ત્યારે તમિલનાડુમાં એક રેલવે દુર્ઘટનામાં 144 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ શાસ્ત્રીજીએ રાજીનામું આપી દીધું એમ કહીને કે તેઓ આ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારે છે. આ ઉદાહરણ દર્શાવે છે કે લોકશાહીમાં નેતાઓ માટે જનતા પ્રત્યેની જવાબદારી માત્ર કાયદાકીય નથી હોતી પણ નૈતિક પણ હોય છે.

lal bahadur shastri

પણ આજના સમયમાં ગુજરાતમાં આવી નૈતિક હિંમત દેખાતી નથી. છેલ્લા થોડા વર્ષોમાં અનેક દુર્ઘટનાઓ બની જેમાં જવાબદારીની નિષ્ફળતાનો મોટો હાથ હતો. 2022માં મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. આ પુલની જાળવણી અને સલામતીની જવાબદારી સરકારી તંત્ર અને સ્થાનિક સત્તાધિકારીઓની હતી પણ કોઈ નેતાએ આ ઘટના માટે જવાબદારી સ્વીકારી નહીં. એ જ રીતે 2023માં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા. આ ઘટનામાં પણ સલામતીના નિયમોનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું પણ કોઈ રાજનેતાએ રાજીનામું આપવાનું યોગ્ય ન સમજ્યું.

સુરતમાં 2019ની તક્ષશિલા આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ કોચિંગ સેન્ટરમાં અગ્નિ સલામતીના નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને સ્થાનિક પ્રશાસન આ ગેરરીતિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું. આવી જ રીતે, હાલમાં જ સુરતના કપડા માર્કેટમાં લાગેલી આગે આખું બજાર ખાખ કરી નાખ્યું જેમાં અનેક લોકોની જીવનનિર્વાહની રોજગારી છીનવાઈ ગઈ. આ બધી ઘટનાઓમાં એક સામ્ય છે, લાગુ તંત્રની નિષ્ફળતા અને નેતાઓની કામ લેવાની તથા નૈતિક જવાબદારી સ્વીકારવાનો અભાવ.

boat

બળાત્કારની વધતી ઘટનાઓ: સમાજનું પ્રતિબિંબ

આ દુર્ઘટનાઓ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી ઘટનાઓ માત્ર કાયદો અને વ્યવસ્થાની ઉણપતા નથી દર્શાવતી પણ સમાજના નેતૃત્વની નૈતિક નિષ્ફળતા પણ દર્શાવે છે. જ્યારે નેતાઓ આવી ઘટનાઓ પછી મૌન રહે છે અથવા ફક્ત ખોખલા આશ્વાસનો આપે છે ત્યારે જનતાનો વિશ્વાસ ડગી જાય છે.

આખરે શા માટે નેતાઓ જવાબદારી નથી સ્વીકારતા?

આજના રાજકીય માહોલમાં નેતાઓ રાજીનામું આપવાનું ટાળે છે કારણ કે તેમનું ધ્યાન સત્તા જાળવવા અને ચૂંટણી જીતવા પર કેન્દ્રિત થઈ ગયું છે. રાજકીય પક્ષો હવે નૈતિકતા કરતાં વધુ પ્રચાર અને છબીની ચિંતા કરે છે. જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે જવાબદારી નાના અધિકારીઓ કે ઠેકેદારો પર નાખી દેવામાં આવે છે અને નેતાઓ પોતાને બચાવી લે છે. આ ઉપરાંત, આજના સમાજમાં જનતા પણ નેતાઓ પાસેથી નૈતિક જવાબદારીની અપેક્ષા ઓછી રાખે છે જેના કારણે નેતાઓને પોતાની ભૂલ સ્વીકારવાનું દબાણ નથી લાગતું.

boat

લોકશાહીનો આધાર એ છે કે નેતાઓ જનતાના સેવક હોય છે, શાસક નહીં. જ્યારે આપણે મતદાન કરીએ છીએ,લ ત્યારે આપણે એવા લોકોને ચૂંટીએ છીએ જે આપણી સુરક્ષા, સમૃદ્ધિ અને ન્યાયની ખાતરી આપે. પણ જો આ ચૂંટાયેલા સેવકો જ આપણી અપેક્ષાઓ પર ખરા ન ઉતરે તો લોકશાહીનો હેતુ જ ખતમ થઈ જાય છે. નૈતિક જવાબદારી સ્વીકારવી એ માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પણ લોકશાહીની મજબૂતી માટેનું પગલું છે. જ્યારે નેતાઓ આવું કરે છે ત્યારે તેઓ જનતાને એ સંદેશ આપે છે કે તેમની પાસે સત્તા કરતાં જવાબદારી વધુ મહત્ત્વની છે.

આપણે નાગરિક તરીકે શું કરવું જોઈએ?

આ પરિસ્થિતિ બદલવા માટે જનતા અને સમાજે પણ પોતાની ભૂમિકા ભજવવી પડશે. પહેલું પગલું એ છે કે આપણે નેતાઓ પાસેથી નૈતિક જવાબદારીની માગણી કરવી જોઈએ. સોશિયલ મીડિયા, જાહેર મંચો અને મતદાન દ્વારા આપણે નેતાઓને એ સમજાવવું પડશે કે તેઓ જનતા પ્રત્યે જવાબદેહ છે. બીજું કે સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદેહી વધારવા માટે કડક કાયદાઓ અને તેનો અમલ જરૂરી છે.

ત્રીજું કે નેતાઓએ પોતે પણ પોતાની નૈતિક જવાબદારીઓ સમજવી જોઈએ અને આદર્શ નેતાઓના ઉદાહરણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

boat

આખરે…

ગુજરાતમાં થતી આ દુર્ઘટનાઓ અને નેતાઓની નૈતિક જવાબદારીનો અભાવ એક ગંભીર સમસ્યા છે. લોકશાહી ત્યારે જ સફળ થાય છે જ્યારે નેતાઓ જનતાના સેવક તરીકે કામ કરે અને પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત દાખવે. લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓ આપણા માટે પ્રેરણાનું ઉદાહરણ છે. જો આજના નેતાઓ આવી નૈતિક હિંમત દાખવે તો જ આપણે ખરા અર્થમાં લોકશાહીની ભાવનાને જીવંત રાખી શકીશું. નહીં તો, આ દુર્ઘટનાઓની શ્રેણી ચાલુ રહેશે, અને જનતાનો વિશ્વાસ લોકશાહી પરથી ઉઠતો જશે. શું આપણે એવા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છીએ?

error: Content is protected !!