

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, અમેરિકી સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં તેણે પાકિસ્તાન સહિત 41 દેશોના લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વખતે મુસાફરી પ્રતિબંધો વધુ વ્યાપક હશે. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભૂટાન એ 41 દેશોમાં સામેલ છે, જેના પર અમેરિકાની યાત્રા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર પ્રવાસન પર અંકુશ લગાવવા પર કામ કરી રહ્યું છે.
અમેરિકન સુરક્ષા અધિકારીઓએ પોતાની ભલામણો સાથે જોડાયેલો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમાં પાકિસ્તાનને એ 26 દેશોમાં સામેલ કર્યું છે જેને અમેરિકાના વિઝા આપવા પર આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. જો કે, શહબાજ શરીફની આગેવાનીવાળી સરકાર જો 60 દિવસમાં ખામીઓ દૂર કરી દે છે, તો મોટી કાર્યવાહીથી બચી શકાય છે. જે દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં તુર્કમેનિસ્તાન, બેલારુસ, ભૂતાન અને વનુઆતુનો સમાવેશ થાય છે. તેમાંથી, વનુઆતુ હાલમાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ભાગેડુ અને પૂર્વ IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ દાવો કર્યો કે, તેણે ત્યાંની નાગરિકતા મેળવી લીધી છે.

આ પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ટ્રાવેલ પ્રતિબંધના સમાચારને અટકળો ગણાવીને ફગાવી દીધા હતા. વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનને આવા પ્રતિબંધો માટે કોઈ સત્તાવાર સંકેત મળ્યા નથી. હાલમાં આ બધી અટકળો છે અને એટલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત નથી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ત્યારે તણાવ વધ્યો, જ્યારે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાની રાજદૂત કે.કે. અહેસાન વાગનને આ અઠવાડિયે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને લોસ એન્જલસમાંથી મોકલી દેવામાં આવ્યા હતા. જો કે અમેરિકાએ કોઈ વિશેષ કારણ બતાવ્યું નથી, પરંતુ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વાંlગનને એટલે મોકલી દેવામાં આવ્યા હતા કારણ કે અમેરિકન ઈમિગ્રેશન સિસ્ટમે વિવાદાસ્પદ વિઝા સંદર્ભોની જાણકારી મેળવી હતી.
નવા ડ્રાફ્ટ અનુસાર, 10 દેશોને રેડ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે, જેમના નાગરિકોના વિઝા પૂરી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ દેશ છે અફઘાનિસ્તાન, ક્યૂબા, ઈરાન, લિબિયા, ઉત્તર કોરિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, વેનેઝુએલા અને યમન.

5 દેશોના બીજા ગ્રુપમાં એરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાનને રાખવામાં આવ્યા છે. આ દેશો પર કેટલીક શરતો સાથે પ્રતિબંધો પણ પ્રસ્તાવિત છે. 5 દેશોમાં ટૂરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા સાથે-સાથે અન્ય અપ્રવાસી વિઝા પણ પ્રભાવિત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, પદ સંભાળ્યાના પહેલા જ દિવસે 20 જાન્યુઆરીએ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષાના જોખમોની જાણકારી મેળવવા માટે અમેરિકામાં પ્રવેશતા કોઈપણ વિદેશી નાગરિકની વ્યાપક તપાસની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે.