
ચીનનું કહેવાતું છઠ્ઠી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ડિસેમ્બરમાં પહેલી વાર જોવા મળેલા આ વિમાનના પરીક્ષણની તસવીરો ફરી સામે આવી છે. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી. નિષ્ણાતો કહે છે કે જો આ વીડિયો સાચા છે, તો તે દર્શાવે છે કે નવા વિમાનના ઉડાન પરીક્ષણો સારી રીતે આગળ વધી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલ એક વીડિયો ચીનના પ્રખ્યાત લશ્કરી મેગેઝિન ‘નેવલ એન્ડ મર્ચન્ટ શિપ્સ’ દ્વારા પણ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. મેગેઝિને તેના માર્ચ આવૃત્તિમાં ચીનના છઠ્ઠી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પર એક કવર સ્ટોરી પણ પ્રકાશિત કરી છે.

આ વીડિયો અને ફોટોગ્રાફ્સની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને આ પરીક્ષણ ક્યાં અને ક્યારે થયું તે પણ સ્પષ્ટ નથી. જોકે, આ વિમાન સમાચારમાં છે અને લોકો તેની ડિઝાઇન વિશે ઘણી વાતો કરી રહ્યા છે, કારણ કે તેની રચના ‘ગિંકો લીફ’ જેવી લાગે છે.

એક અહેવાલ મુજબ, ચીનના લશ્કરી નિષ્ણાત સોંગ ઝોંગપિંગે કહ્યું કે, જો આ વીડિયો સાચા છે તો તેનો અર્થ એ છે કે આ વિમાનનું પરીક્ષણ સતત અને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. લેન્ડિંગ ગિયરનું અંદર હોવાનો અર્થ એ છે કે, આ ફ્લાઇટમાં લેન્ડિંગ ગિયર સાથે સંકળાયેલ સિસ્ટમ્સ અને ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હશે.

આ ઉપરાંત, ‘એરોસ્પેસ નોલેજ’ મેગેઝિનના મુખ્ય સંપાદક વાંગ યા’નાન કહે છે કે, ટૂંકા સમયના અંતરાલમાં વારંવાર પરીક્ષણ અને લેન્ડિંગ ગિયરનું અંદર યોગ્ય જગ્યાએ હોવું દર્શાવે છે કે, ડેવલપર્સ આ વિમાનની ઉડાન સ્થિરતા અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.
તેમણે એમ પણ કહ્યું કે, આ વિમાન હાલમાં પ્રારંભિક પરીક્ષણ તબક્કામાં છે અને તેમાં રહેલી ઘણી અન્ય સિસ્ટમોનું લાંબા સમય સુધી પરીક્ષણ કરવામાં આવશે. વાંગના મેગેઝિને માર્ચમાં છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ પર એક કવર સ્ટોરી પણ પ્રકાશિત કરી હતી.

જોકે ચીને આગામી પેઢીના ફાઇટર જેટના નિર્માણની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આના કેટલાક સંકેતો મળ્યા છે.
ગ્વાન્ગડોંગ પ્રાંતના ઝુહાઈમાં 2022ના એરશો ચાઇના ખાતે, ચીનના રાજ્ય સંચાલિત એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશને આગામી પેઢીના ફાઇટર જેટનું એક મોડેલ પ્રદર્શિત કર્યું હતું, જેની ડિઝાઇન પૂંછડી વિનાની હતી અને તે ‘ગિંકો લીફ’ એરક્રાફ્ટ જેવું લાગતું હતું.