

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ. છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. રેલવે અને રક્ષા એવા બે વિભાગ છે, જેના પર કોઈ રાજનીતિ ન હોવી જોઈએ. કારણ કે તે દેશની જરૂરિયાત, કરોડરજ્જુ અને જીવનરેખા છે. જો આમાં રાજનીતિ કરવામાં આવશે તો તે દેશ માટે સારું નહીં હોય.
રેલવે મંત્રાલયના કામકાજ પર ઉપલા ગૃહની ચર્ચામાં ભાગ લેતા વૈષ્ણવે કહ્યું કે, વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે રેલવેએ ભરતી કરી નથી. વિપક્ષના આરોપને સત્યથી વિરુદ્ધ અને ભ્રામક ગણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં 5 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. આ સિવાય એક લાખ ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. રેલવેમાં પૂરી પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

વૈષ્ણવે કહ્યું કે, અત્યારે રેલવેમાં લગભગ 12 લાખ કર્મચારીઓ છે, જેમાંથી લગભગ 40 ટકા એવા છે, જેમની નિમણૂક છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવી છે. આ રીતે રેલવેની મોટાભાગની કાર્યકારી ક્ષમતા યુવા છે. મહાકુંભ મેળા દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરીને દર્દનાક અને દુ:ખદ ગણાવતા તેમણે કહ્યું કે, CCTV ફૂટેજ સહિત ઘટના સાથે સંબંધિત તમામ ડેટા સુરક્ષિત છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી શીખીને રેલવેએ વિવિધ સાવચેતીના પગલાં ઉઠાવ્યા છે. સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગને સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમીર લોકો વિમાન અથવા કારમાં મુસાફરી કરી શકે છે, પરંતુ કામ કરતા લોકો અને ગરીબ લોકો માત્ર રેલવેથી જ મુસાફરી કરી શકે છે.
ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા ઘટાડવાના વિપક્ષના આરોપ પર તેમણે કહ્યું કે, આ સરકાર અંત્યોદયની ભાવના સાથે કામ કરે છે. સામાન્ય લોકોની દૃષ્ટિએ નોન-એર-કન્ડિશન્ડ કોચની સંખ્યામાં વધારવામાં આવી રહી છે અને હાલમાં નોન-એર-કન્ડિશન્ડ અને એર-કન્ડિશન્ડ કોચની સંખ્યા 70:30ના રેશિયોમાં છે. 17,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રેનોની સુરક્ષા માટે લગાવવામાં આવી રહેલી કવચ પરિયોજનાને એક જટિલ અને વિશાળ નેટવર્ક ગણાવતા તેમણે કહ્યું કે, 10000 એન્જિનમાં તેને લગાવવામાં આવી રહ્યું છે. આગામી 5-6 વર્ષમાં તેને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ જેવા વિપક્ષ શાસિત રાજ્યોના સભ્યોના નિવેદનોના સંદર્ભમાં, વૈષ્ણવે સંબંધિત રાજ્ય સરકારો પાસે સહયોગ માગ્યો, જે વિવિધ કારણોસર વિલંબિત છે.