

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસની 5 ટેસ્ટ મેચોનો સીરિઝમાં 1-3થી હાર બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિર્દેશ જાહેર કર્યો હતો કે 45થી વધારે દિવસના પ્રવાસમાં, ક્રિકેટરો પોતાના પરિવારને વધુમાં વધુ 14 દિવસ સુધી પોતાની સાથે રાખી શકે છે. દિશા નિર્દેશ મુજબ, તેનાથી ઓછા સમયગાળાના પ્રવાસ પર, ખેલાડીઓ વધુમાં વધુ એક અઠવાડિયા સુધી જ પોતાના પરિવારને પોતાની સાથે રાખી શકે છે. આ અગાઉ રવિવારે કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પરિવારને સાથે રાખવાનું સમર્થન કર્યું હતું.

દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ પણ વિદેશ પ્રવાસ પર ક્રિકેટરોને પોતાના પરિવારને સાથે લઈ જવાના પક્ષમાં છે, પરંતુ તેમણે તેની સાથે એમ પણ કહ્યું કે, આ મામલે સંતુલિત વલણ અપનાવવું જોઈએ. વર્લ્ડ કપ 1983ના વિજેતા કેપ્ટને ‘કપિલ દેવ ગ્રાન્ટ થોર્નટન ઇનવિટેશનલ’ કાર્યક્રમના અવસર પર કહ્યું કે, ઠીક છે, મને ખબર નથી, તે વ્યક્તિગત છે. મને લાગે છે કે આ ક્રિકેટ બોર્ડનો નિર્ણય છે. મારા મતે, તમને પરિવારની જરૂર છે, પરંતુ તમારે હંમેશાં ટીમ સાથે રહેવાની પણ જરૂર છે.
હાલમાં જ પૂરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓના પરિવાર પણ દુબઈમાં હતા, પરંતુ તેઓ ટીમ હોટલમાં રોકાયા નહોતા. પરિવારનો ખર્ચ BCCIએ નહીં, પણ ખેલાડીઓએ ઉઠાવ્યો હતો. કપિલે કહ્યું કે, ‘અમારા જમાનામાં ક્રિકેટ બોર્ડ નહીં, પરંતુ અમે પોતે જ નક્કી કરતા હતા કે પ્રવાસનું પહેલું ચરણ ક્રિકેટને સમર્પિત કરવુ જોઈએ… જ્યારે બીજા ચરણમાં પરિવાર સાથે આનંદ લેવો જોઈએ. તેમાં સંતુલન હોવું જોઈએ.

આ અગાઉ રવિવારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, લોકોને પરિવારની ભૂમિકા સમજાવવી ખૂબ મુશ્કેલ છે. દરેક વખત જ્યારે તમે તણાવપૂર્ણ સ્થિતિમાં હોવ છો, ત્યારે પોતાના પરિવાર પાસે પરત ફરવું કેટલું જરૂરી હોય છે. મને નથી લાગતું કે લોકોને તેના મહત્ત્વની સમજ છે. જો તમે કોઈપણ ખેલાડીને પૂછો કે શું તમે ઈચ્છો છો કે તમારો પરિવાર દરેક સમયે તમારી આસપાસ રહે? તો તેઓ કહેશે, હા. હું પોતાના રૂમમાં જઈને એકલો બેસીને ઉદાસ રહેવા માગતો નથી. હું સામાન્ય બનવા માગુ છું. પછી તમે પોતાની રમતને એક જવાબદારીની જેમ લઈ શકો છો. તમે એ જવાબદારીને પૂરી કરો છો અને પછી તમે જીવનમાં પાછા આવી જાવ છો.