
39.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં હાલ ચાલી રહેલી 100 કલાક વાડી પોલીસ ડ્રાઇવ રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે. આ અભિયાન દ્વારા ગુજરાત પોલીસે અસામાજિક તત્વો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે જેના પરિણામે ગુનેગારો અને ટપોરીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. “ગુનો છોડી દો અથવા ગુજરાત છોડી દો” – નવસારીના એસ.પી. અગ્રવાલના આ સ્પષ્ટ અને કડક સંદેશાએ પોલીસની નિશ્ચયશક્તિને પ્રતિબિંબિત કરી છે. આ ડ્રાઇવમાં પોલીસની સક્રિયતા ખરેખર બિરદાવવા લાયક છે.
40.jpg?w=1110&ssl=1)
આ સક્રિયતા એક એવા સમયે જોવા મળી રહી છે જ્યારે રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવી અત્યંત જરૂરી બની ગયું છે. 100 કલાકનું આ અભિયાન માત્ર ચેતવણી નથી પરંતુ ગુનાખોરીને નાથવા માટે રચાયેલું નક્કર પગલું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને નાનામાં નાના સભ્યો સુધી દરેક ખડેપગે કામે લાગ્યા છે. અસામાજિક તત્વોને ભેગા કરીને ચેતવણી આપવામાં આવી રહી છે જેનાથી ગુનેગારોમાં ભાગદોડ મચી ગઈ છે.
પોલીસે ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે જેનું આ ડ્રાઇવ એક જીવંત ઉદાહરણ છે. આ નીતિના પરિણામે પોલીસનું મનોબળ ઊંચું જઈ રહ્યું છે અને તેઓ પોતાની જવાબદારીને ન્યાય આપવા સતત પ્રયત્નશીલ જણાઈ રહ્યા છે. આવી નીતિ અને તેનો અમલ ગુજરાતને ગુનામુક્ત રાજ્ય બનાવવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કામગીરીની વિશેષતા એ છે કે તે માત્ર ગુનેગારોને ડરાવવા પૂરતી સીમિત નથી પરંતુ તેનો ઉદ્દેશ્ય ગુનાખોરીના મૂળને નાબૂદ કરવાનો છે. ગુનેગારોને આપવામાં આવેલો સંદેશ એક સ્પષ્ટ ચેતવણી છે કે રાજ્યમાં કાયદાનું શાસન સર્વોપરી છે.

આ સંદેશ ગુનેગારોને બે વિકલ્પો આપે છે: કાં તો તેઓ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ત્યજી દે અને સમાજનો હિસ્સો બને અથવા તેઓ ગુજરાતની સરહદોની બહાર જવા મજબૂર થાય. આ પ્રકારની સીધી અને કડક નીતિ ગુનાખોરીને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. અહીં સફળતા માત્ર ગુનેગારોની ધરપકડ કે ચેતવણીથી જ નહીં પરંતુ નાગરિકોમાં જાગેલા વિશ્વાસથી પણ માપવી જોઈએ. જ્યારે પોલીસ ખડેપગે સક્રિય થઈને કામ કરે છે ત્યારે સામાન્ય નાગરિકને ખાતરી મળે છે કે તેમની સુરક્ષા માટે સરકાર અને પોલીસ તત્પર છે.
આ અભિયાન દ્વારા ગુજરાત પોલીસે નાગરિકોના હૃદયમાં વિશ્વાસ જગાડ્યો છે જે એક સફળ શાસનનું મુખ્ય લક્ષણ છે. રાજ્યના વિવિધ ભાગોમાં પોલીસની હાજરી અને તેમની સતર્કતાએ ગુનાખોરીના ગ્રાફને નીચે લાવવામાં મદદ કરશે જે એક આશાસ્પદ શરૂઆત છે. આ પ્રયાસની સફળતા લાંબા ગાળે ગુજરાતના સામાજિક માળખાને મજબૂત કરશે. જો પોલીસ પોતાની કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને અસામાજિક તત્વોને કાબૂમાં લઈ શકી તો તે એક સિદ્ધિ હશે. આ માત્ર ગુનાખોરીને ઘટાડશે જ નહીં પરંતુ યુવા પેઢીને પણ ગુનાઓથી દૂર રહેવાનો સંદેશ આપશે.

આ ડ્કાર્યવાહીના આંકડાઓ પણ પોલીસની સફળતાને ઉજાગર કરે છે. એક અહેવાલ મુજબ આ વિશેષ કાર્યવાહી દરમિયાન 7612 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, 59 સામે પાસા, 10ને ડિટેન, 724 વિરુદ્ધ અટકાયતી પગલાં, 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન અને 81 વીજ ચોરીના કેસ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પોલીસે ગુનાખોરીને નાથવા માટે વ્યાપક અને ગંભીર કાર્યવાહી હાથ ધરી છે. આવા પ્રયાસ જો સમયાંતરે થતા રહે તો તે ગુજરાતને શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરી જશે.