

ઉદ્યોગપતિ એલોન મસ્કે શુક્રવારે જાહેરાત કરી કે તેમણે સોશિયલ મીડિયા સાઇટ Xને તેમની પોતાની xAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીને 33 બિલિયન US ડૉલરના ઓલ-સ્ટોક સોદામાં વેચી દીધી છે. ટેસ્લા અને સ્પેસએક્સના CEO મસ્કે 2022માં ટ્વિટરને 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું અને તેનું નામ બદલીને X રાખ્યું હતું.

મસ્કે X પરની એક પોસ્ટમાં કહ્યું, ‘આ પગલું xAIની અદ્યતન AI ક્ષમતાઓ અને કુશળતાને Xની વ્યાપક પહોંચ સાથે જોડીને અપાર શક્યતાઓને ખોલશે.’ તેમણે કહ્યું કે, આ સોદામાં XAIનું મૂલ્ય 80 બિલિયન US ડૉલર અને Xનું મૂલ્ય 33 બિલિયન US ડૉલર આંકવામાં આવ્યું છે. બંને કંપનીઓ ખાનગી માલિકીની છે, જેનો અર્થ એ છે કે, તેમને તેમના નાણાકીય નિવેદનો જાહેર કરવાની જરૂર નથી.
મસ્ક, જે ટેસ્લા અને સ્પેસએક્સના CEO તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર છે, તેમણે 2022માં ટ્વિટર તરીકે ઓળખાતી સાઇટ 44 બિલિયન ડૉલરમાં ખરીદી હતી. ત્યાર પછી તેઓએ તેના કર્મચારીઓને દૂર કર્યા અને નફરતભર્યા ભાષણ, ખોટી માહિતી અને વપરાશકર્તા ચકાસણી અંગેની તેની નીતિઓ બદલી અને તેનું નામ બદલીને X રાખ્યું હતું.

મસ્કે X પર લખ્યું, ‘XAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. આજે, અમે સત્તાવાર રીતે ડેટા, મોડેલ, ગણતરી, વિતરણ અને પ્રતિભાને જોડવા માટે પગલાં લઈએ છીએ.’ તેમણે કહ્યું કે, બંને કંપનીઓના વિલીનીકરણથી અબજો લોકો માટે વધુ સ્માર્ટ, વધુ અર્થપૂર્ણ અનુભવો બનશે, જ્યારે સત્ય શોધવા અને જ્ઞાનને આગળ વધારવાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જ્યારે, એલોન મસ્કે તાજેતરમાં તેમના xAI પ્લેટફોર્મ પરથી નવો AI ચેટબોટ ગ્રોક રજૂ કર્યો. આ ચેટબોટનો ઉપયોગ ફક્ત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર જ નહીં, પણ વપરાશકર્તાઓ તેની એપ પણ ડાઉનલોડ કરી શકે છે. ત્યાર પછી, એક નવો રેકોર્ડ બનાવતા, ગ્રોક એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ બની ગઈ છે. એલોન મસ્કે X પર એક સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં ગ્રોક એપ ટોપ-ફ્રી કેટેગરીમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. આ સ્ક્રીનશોટ સાથે તેણે લખ્યું, ‘કૂલ, ગ્રોક હવે એન્ડ્રોઇડ પર નંબર 1 છે.’ વૈશ્વિક સ્તરે, આ એપ ટિકટોક અને ચેટGPT જેવી અન્ય લોકપ્રિય એપ્સને પાછળ છોડી દીધી છે.