

દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું નિધન થઇ ગયું છે. તેમણે પોતાની ફિલ્મો અને એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એવા અભિનેતા રહ્યા છે, જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશ આપ્યો છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક દિગ્ગજ જતા રહ્યા, પરંતુ તેમની ફિલ્મોની છાપ હંમેશાં લોકોના દિલમાં રહેશે. મનોજ કુમારના સાહસિક વલણના ઘણા કિસ્સા સાંભળવા મળે આવે છે, પરંતુ એક કહાની એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલી છે. આ ઘટના એ સમયની છે, જ્યારે મનોજ કુમારે ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

શરૂઆતના તબક્કામાં ઈન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધુ બરાબર હતું, પરંતુ જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી ત્યારે થોડી જ વારમાં બધું બદલાઈ ગયું. એ સમયે ફિલ્મી કલાકારો ઇમરજન્સીનો વિરોધ કરી રહ્યા હતા, તેમને બેન કરી દેવામાં આવ્યા હતા. આ સ્ટાર્સની ફિલ્મો રીલિઝ થતા જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હતો, પરંતુ મનોજ કુમાર એવા હિંમતવાન એક્ટર હતા, જેમણે ખુલીને ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. તો તેમની ફિલ્મો પર પણ બેન લાગવાના ચાલૂ થઇ ગયા હતા. મનોજ કુમારની ફિલ્મ ‘દસ નંબરી’ રીલિઝ થઈ તો તેના પર સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ જ્યારે ‘શોર’ રીલિઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

‘શોર’ના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર બંને મનોજ કુમાર હતા. એવામાં, સિનેમાઘરોમાં પ્રતિબંધ બાદ, તે સમયે ફિલ્મને તરત જ દૂરદર્શન પર રીલિઝ કરી દેવામાં આવી હતી. આ કારણે, કમાણી બિલકુલ ન થઈ અને રીલિઝ બાદ તેમને ભારે નુકસાન થયું હતું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ઘણા અઠવાડિયાઓ સુધી કોર્ટના ચક્કર લગાવ્યા. જો કે મનોજ કુમારને તેનો ફાયદો થયો અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો. એટલે, તેમના માટે એમ પણ કહેવામાં આવે છે કે તેઓ દેશમાં એકમાત્ર એવા એક્ટર છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જો કે મનોજ કુમારને પાછળથી સરકારે ઈમરજન્સી પર ફિલ્મ બનાવવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ઓફર ફગાવી દીધી હતી.

આટલું જ નહીં, જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે, શું તેઓ ઈમરજન્સી પર બની રહેલી ડોક્યૂમેન્ટ્રીનું નિર્દેશન કરશે, તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે તેમને ખબર પડી કે, તેની સ્ક્રિપ્ટ કોઇ બીજું નહીં, પરંતુ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રિતમને ફોન કરી દીધો. એને તેમણે અમૃતા પ્રીતમને સીધું જ પૂછી લીધું કે, શું તેઓ વેંચાઈ ચૂક્યા છે? મનોજ કુમારના મોઢેથી આવી વાતો સાંભળીને અમૃતા પણ ઉદાસ થઈ ગયા અને કહેવાય છે કે મનોજ કુમારે તેમને એમ પણ કહ્યું હતું કે, તેમણે આ ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રિપ્ટ ફાડી દેવી જોઈએ.