

ઉદ્યોગ અને રાજકારણનું સંયોજન એક એવો વિષય છે જે દાયકાઓથી ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જે ઉદ્યોગપતિ રાજકારણમાં પ્રવેશે છે તેમનો વ્યવસાય ઘણીવાર સંકટમાં મુકાઈ જાય છે અથવા નુકસાનનો સામનો કરે છે. આ વાયકાને સમર્થન આપતાં ભારતમાં વિજય માલ્યા અને અનિલ અંબાણી જેવાં ઉદાહરણો છે જ્યારે હવે અમેરિકામાં એલોન મસ્કનું નામ પણ આ સંદર્ભમાં ઉઠી રહ્યું છે. જોકે આ બાબત સંપૂર્ણપણે નક્કર નથી કારણકે કેટલાક ઉદ્યોગપતિઓએ રાજકીય સફળતા પણ મેળવી છે પરંતુ તેમની સમાજસેવાની ભૂમિકા અને નિષ્ઠા પર પ્રશ્નો ઉઠતા રહ્યા છે.
વિજય માલ્યા જે એક સમયે ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ તરીકે ઓળખાતા હતા તેમણે કિંગફિશર એરલાઇન્સ અને અન્ય વ્યવસાયો દ્વારા ભારતમાં નામના મેળવી પરંતુ રાજકીય પ્રભાવ વધારવાની ઇચ્છા અને ખરાબ નાણાકીય નિર્ણયોના કારણે તેમની કંપનીઓ દેવામાં ડૂબી ગઈ. આજે તેઓ ભારત છોડીને ભાગેડુ તરીકે જીવન વિતાવે છે. બીજી તરફ અનિલ અંબાણીની વાત પણ ઓછી નાટકીય નથી. રિલાયન્સ ગ્રુપના એક હિસ્સા તરીકે તેમની શરૂઆત અદભૂત હતી પરંતુ રાજકીય સંબંધો અને વિવાદોએ તેમના વ્યવસાયને નબળો પાડ્યો. આજે આ બન્નેવ ભારતીય દિગ્ગજોની કંપનીઓ નાદારીને આરે છે. આ બંને ઉદાહરણો એ દર્શાવે છે કે રાજકારણમાં સંડોવણી ઉદ્યોગપતિઓ માટે જોખમી બની શકે છે.

હવે એલોન મસ્કની વાત કરીએ. ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સ્થાપક મસ્કે તાજેતરમાં અમેરિકાના રાજકારણમાં રસ દાખવ્યો છે. તેમના નિવેદનો અને રાજકીય નેતાઓ સાથેના સંબંધોએ ચર્ચા જન્માવી છે. જોકે મસ્કની કંપનીઓ હજુ સુધી નોંધપાત્ર નુકસાનમાં નથી પરંતુ રાજકીય વિવાદોને કારણે ટેસ્લાના શેરની કિંમતોમાં અસ્થિરતા જોવા મળી છે. આ સૂચવે છે કે રાજકારણમાં સંડોવણીની અસર વેપાર પર પડી શકે છે પણ તે સંપૂર્ણ નિષ્ફળતાનું કારણ બને જ એવું જરૂરી નથી.
બીજી બાજુ કેટલાક ઉદ્યોગપતિઓએ રાજકારણમાં સફળતા મેળવી છે. ઉદાહરણ તરીકે અમેરિકાના માઇકલ બ્લૂમબર્ગે ન્યૂયોર્કના મેયર તરીકે સેવા આપી અને તેમનો વ્યવસાય પણ સ્થિર રહ્યો. ભારતમાં પણ ઘણા ઉદ્યોગપતિઓએ રાજકીય પક્ષોને ટેકો આપ્યો અને પોતાની સંપત્તિ જાળવી રાખી અને કેટલાક કિસ્સાઓમાં અનેક ગણી વધી પરંતુ આવા કિસ્સાઓમાં પ્રશ્ન એ ઉઠે છે કે શું તેઓ દેશ અને સમાજસેવાને પૂર્ણ ન્યાય આપી શક્યા? ઘણીવાર તેમની રાજકીય સંડોવણીને વ્યક્તિગત લાભ સાથે જોડવામાં આવે છે જે તેમની નિષ્ઠા પર શંકા ઉભી કરે છે.

આ બધું ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ છે કે ઉદ્યોગ અને રાજકારણનું સંયોજન એક નાજુક સંતુલન છે. જે ઉદ્યોગપતિ આ સંતુલન જાળવી શકે છે તેઓ સફળ થઈ શકે છે પરંતુ જે નિષ્ફળ જાય છે તેમના માટે નુકસાન જોખમ રૂપ બની શકે છે. આખરે રાજકારણમાં પ્રવેશ એ વ્યવસાયની સ્થિરતા કે સમાજસેવાની ગેરંટી નથી તે એક જુગાર છે જેનું પરિણામ વ્યક્તિની ક્ષમતા અને નિર્ણયશક્તિ પર નિર્ભર કરે છે.