

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (ઉબાઠા) (UBT) અને મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની શિવસેના વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે તેની ચરમ સીમા પર પહોંચી ગયો છે, જેમાં બંને જૂથો એકબીજાની મજાક ઉડાવવા માટે ઘણા રસપ્રદ સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. શિવસેના (ઉબાઠા) (UBT)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ DyCM એકનાથ શિંદેને ‘એ સં શી’ કહેવાનું શરૂ કર્યું છે, જે DyCMના પૂરા નામ એકનાથ સંભાજી શિંદેનું ટૂંકું નામ છે. બાલ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના જૂન 2022માં વિભાજીત થઈ ગઈ હતી. ત્યારથી, ઉદ્ધવ ઠાકરે જૂથે ઘણીવાર DyCM એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા છે, જેમાં તેમના માટે ‘દેશદ્રોહી’ અને ‘ખોકે’ (પાર્ટીને વિભાજીત કરવા માટે કરોડો રૂપિયાની આપ-લે કરવામાં આવી હોવાના આરોપો) જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

DyCM એકનાથ શિંદેએ વળતો પ્રહાર કરતા પૂછ્યું કે, શું UT (ઉદ્ધવ ઠાકરેનું ટૂંકું નામ)નો મતલબ ‘ઉપયોગ કરો અને ફેંકી દો’, (યુજ એન્ડ થ્રો) માટે વપરાય છે.
પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ DyCM એકનાથ શિંદે પર તાજેતરનો કટાક્ષ શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેને તેમના પક્ષના માસ્કોટ (શુભંકર) તરીકે વાપરવા બદલ કર્યો છે. પાર્ટીના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘તેમણે (DyCM એકનાથ શિંદે) બાલ ઠાકરેના વારસા અને પક્ષ પર દાવો કરવાને બદલે તેમના પોતાના પિતાના નામનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાની પાર્ટી બનાવવી જોઈએ.’

વિભાજન થયા પછી, DyCM એકનાથ શિંદેના જૂથને શિવસેના નામ અને ‘ધનુષ્ય-તીર’ પાર્ટી પ્રતીક આપવામાં આવ્યું, જ્યારે ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથને શિવસેના (ઉબાઠા) (UBT)નામ આપવામાં આવ્યું અને તેને ‘મશાલ’ ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યું.

પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે, ઠાકરે પરિવાર પોતાના કટ્ટર વિરોધીઓને નિશાન બનાવવાની પોતાની રીત શોધી કાઢે છે, પછી ભલે તે ભૂતપૂર્વ CM નારાયણ રાણે હોય કે NCP નેતા છગન ભુજબળ. બંને હોશિયાર અને આગળ પડતા નેતા હતા અને બાળ ઠાકરેને તેમના પર અપાર વિશ્વાસ હતો. પરંતુ પાર્ટી છોડ્યા પછી, બાલ ઠાકરેએ તેમને કટાક્ષભર્યા ઉપનામો આપ્યા જે લાંબા સમય સુધી તેમની સાથે રહ્યા.