

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-20 માં, RCB એ મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.10 વર્ષ પછી એવું બન્યું છે જ્યારે RCB એ મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડેના મેદાન પર હરાવ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 5 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. કોહલી અને રજત પાટીદારે અર્ધી સદી ફટકારી હતી. મુંબઈને જીતવા માટે 222 રન બનાવવાના હતા. પરંતુ મુંબઈ ફક્ત 209 રન જ બનાવી શક્યું. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ તોફાની અંદાજમાં બેટિંગ કરી. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહીં

આવી હતી RCB ની ઇનિંગ
પહેલા બેટિંગ કરવા આવતા, RCB ની શરૂઆત સારી રહી ન હતી. પહેલી ઓવરના બીજા બોલ પર ફિલ સોલ્ટને ટ્રેન્ટ બોલ્ટે પોતાનો શિકાર બનાવ્યો. પરંતુ આ પછી વિરાટ કોહલીએ જોરદાર ઇનિંગ્સ રમી. દેવદત્ત પડ્ડિકલ પણ ફોર્મમાં દેખાતા હતા. જોકે, પડ્ડીકલ 37 રન બનાવીને 9મી ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી, વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી. પરંતુ 15મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ કોહલી અને લિયામ લિવિંગસ્ટોન બંનેને આઉટ કર્યા. વિરાટ કોહલીએ 42 બોલમાં 67 રન બનાવ્યા. પરંતુ આ પછી, રજત પાટીદારે શાનદાર બેટિંગ કરી. પાટીદારે 32 બોલમાં 64 રન બનાવ્યા, જેના કારણે આરસીબીએ 5 વિકેટ ગુમાવ્યા બાદ મુંબઈને 222 રનનો લક્ષ્યાંક આપ્યો.
આવી હતી મુંબઈની ઇનિંગ
222 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્માએ ચોક્કસપણે કેટલાક સારા શોટ રમ્યા હતા પરંતુ તે 17 રન બનાવીને બીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આ પછી,ચોથી ઓવરમાં રકલ્ટન પણ આઉટ થઈ ગયો.તેના બેટમાંથી ફક્ત 17 રન જ આવ્યા. આ પછી સૂર્યકુમાર યાદવે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પણ 12મી ઓવરમાં આઉટ થઈ ગયો.સૂર્યાના બેટમાંથી 28 રન આવ્યા. આ પછી હાર્દિક પંડ્યા અને તિલક વર્માનું તોફાન આવ્યું. બંનેએ તોફાની બેટિંગ કરી. હાર્દિકે 15 બોલમાં 42 રન બનાવ્યા હતા, જ્યારે તિલક 29 બોલમાં 56 રન બનાવ્યા હતા.એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ આ મેચ સરળતાથી જીતી જશે.પરંતુ ભુવીએ મેચનું પાસું પલટી નાખ્યું.આખરે મુંબઈની ટીમ ફક્ત 209 રન જ બનાવી શકી.

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): વિલ જેક્સ, રેયાન રિકેલટન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઇંગ ઇલેવન): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડીકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
મુંબઈની ટીમમાં બે ફેરફાર
આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. જસપ્રીત બુમરાહ લગભગ 93 દિવસ પછી મેદાનમાં પાછો ફર્યો. તો છેલ્લી મેચમાં ઈજાને કારણે બહાર રહેલા રોહિત શર્માને પણ હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે RCB કોઈ ફેરફાર વિના મેદાનમાં ઉતરી હતી.