

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ખેડૂતને એક વૃક્ષે રાતોરાત કરોડપતિ બનાવી દીધો. આ અવિશ્વસનીય લાગતી ઘટના પુસદ તાલુકાના ખુર્શી ગામની છે. જ્યાં કેશવ શિંદે નામના ખેડૂતના પૈતૃક 7 એકર ખેતરમાં આવેલું એક રક્ત ચંદનનું ઝાડ તેનું નસીબ બદલવાનું કારણ બની ગયું. 2013-14 સુધી શિંદે પરિવારને એ ખબર જ નહોતી કે તેના ખેતરમાં રહેલું આ ઝાડ, રક્ત ચંદનની પ્રજાતિનું છે.

આ દરમિયાન રેલવેનું એક સર્વેક્ષણ થયું, જેમાં કર્ણાટકથી આવેલા કેટલાક અધિકારીઓએ રેલવે માર્ગનું નિરીક્ષણ કર્યું. તેમણે શિંદે પરિવારને જણાવ્યું કે, આ ઝાડ રક્ત ચંદનનું છે, જેની બજારમાં કિંમત ઘણી બધી છે. આ સાંભળીને શિંદે પરિવાર આશ્ચર્યચકિત રહી ગયો. ત્યારબાદ રેલવેએ આ જમીનનું અધિગ્રહણ કરી લીધું, પરંતુ ઝાડની કિંમત આપવામાં આનાકાની કરવા લાગ્યું. ત્યારે શિંદે પરિવારે ખાનગી રીતે ઝાડનું મૂલ્યાંકન કરાવ્યું, જેમાં તેની કિંમત લગભગ 4 કરોડ 97 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.
જો કે, રેલવેએ આ મૂલ્ય સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ શિંદે પરિવારે આ મામલાને કોર્ટમાં લઈ જવાનો નિર્ણય લીધો. મામલો મુંબઈ હાઇકોર્ટની નાગપુર બેંચમાં પહોચ્યો. કોર્ટે મધ્ય રેલવેને નિર્દેશ આપ્યો કે ઝાડની કિંમતના રૂપમાં એક કરોડ રૂપિયાની રકમ કોર્ટમાં જમા કરવામાં આવે. ત્યારબાદ કોર્ટે આ રકમમાંથી 50 લાખ રૂપિયા શિંદે પરિવારના ખાતામાં જમા કરવાનો આદેશ આપ્યો અને તેને આ રકમ કાઢવાની મંજૂરી પણ આપી દીધી. સાથે જ બાકી રકમનું ઉચિત મૂલ્યાંકન કરીને ખેડૂતને પૂરું વળતર આપવાના નિર્દેશ પણ આપવામાં આવ્યો.

ખેડૂતે જણાવ્યુ કે, શરૂઆતમાં તેણે એક ખાનગી એન્જિનિયર સાથે રક્ત ચંદનના ઝાડનું મૂલ્યાંકન કરાવ્યું હતું, પરંતુ તેની કિંમત વધુ બતાવવાના કારણે રેલવેએ તેને માનવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ પરિવારે આ મામલાને કોર્ટમાં પડકાર્યો. લગભગ 100 વર્ષ જૂના આ વિશાળ રક્ત ચંદનના ઝાડના બદલે હવે મધ્ય રેલવેએ એક કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે, જેમાંથી ખેડૂતને 50 લાખ રૂપિયા કાઢવાની મંજૂરી મળી ગઈ છે.