

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે છે. IPL દુનિયાની સૌથી લોકપ્રિય અને સફળ લીગ છે. દુનિયાની બીજી કોઈ T20 લીગ તેની આસપાસ પણ નથી. એ વાત અલગ છે કે પાકિસ્તાની ક્રિકેટ પ્રેમી પોતાના દેશમાં રમાતી PSL લીગની તુલના IPL સાથે કરતા રહે છે. જ્યારે સત્ય એ છે કે, IPL સામે પાકિસ્તાન સુપર લીગ (PSL) ખૂબ જ વામણી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે PSLના ટોપ-10 ખેલાડીઓને મળાવીને પણ એટલી સેલેરી નથી થતી, જેટલી વિરાટ કોહલી IPLની એક સીઝનમાં લે છે.

IPLની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારબાદ, 2016માં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLનું આયોજન કરવાની શરૂઆત કરી. આ વર્ષે IPL અને PSL એકસાથે રમાઈ રહી છે. આ કારણે પણ, બંને લીગમાં ખેલાડીઓના પ્રદર્શન, પૈસા અને પ્રાઇઝમનીની તુલના થતી રહે છે. તમને જણાવી દઈએ કે, PSLમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ એવા છે, જેમને IPLમાં જગ્યા મળતી નથી અથવા જે અનસોલ્ડ રહી ગયા હોય. જેમ કે, ગયા વર્ષે IPLમાં રમનાર ડેવિડ વોર્નર પર આ વખત કોઈ ટીમે દાવ ન લગાવ્યો. એટલે વોર્નર IPLમાં અનસોલ્ડ રહી ગયો. તો વોર્નર PSLનો સૌથી મોંઘો ખેલાડી છે.
ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર PSLમાં કરાચી કિંગ્સ તરફથી રમે છે. વોર્નરને કરાચી કિંગ્સે 2.57 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. PSLના બીજા સૌથી મોંઘા ખેલાડીની રેસમાં 9 ખેલાડીઓ વચ્ચે ટાઇ છે. બાબર આઝમ, ફખર ઝમાન, શાહીન આફ્રિદી, ડેરીલ મિશેલ, સેમ અયુબ, નસીમ શાહ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને મેથ્યૂ શોર્ટને 1.88-1.88 કરોડ રૂપિયા મળે છે.

PSLના ટોપ-10 ખેલાડીઓને કુલ 19.49 કરોડ રૂપિયા મળે છે. જ્યારે IPL સાથે તેની તુલના કરીએ છીએ તો, ભારતીય T20 લીગમાં ઓછામાં ઓછા 6 ખેલાડીઓની સેલેરી 20 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાં રિષભ પંત (27 કરોડ રૂપિયા), શ્રેયસ ઐય્યર (26.75 કરોડ રૂપિયા), વેન્કટેશ ઐય્યર (23.75 કરોડ રૂપિયા) અને હેનરિક ક્લાસેન (23 કરોડ રૂપિયા), નિકોલસ પૂરન (21 કરોડ રૂપિયા) અને વિરાટ કોહલી (21 કરોડ રૂપિયા) સામેલ છે.