
-copy2.jpg?w=1110&ssl=1)
જાપાનની સૌથી વ્યસ્ત બુલેટ ટ્રેન લાઇન, શિંકનસેન, એક અનોખા કારણોસર બંધ થઈ ગઈ. એક મીટર લાંબો સાપ વીજળીના વાયર પર ચઢી ગયો અને વીજળીના પુરવઠાને ખોરવી નાંખ્યો. આના કારણે ટોક્યો અને ઓસાકા વચ્ચે દોડતી ટ્રેનો અટકી ગઈ હતી અને સેંકડો મુસાફરો અધવચ્ચે જ ફસાઈ ગયા. આ ઘટના સાંજે 5:25 વાગ્યે માઈબારા અને ગિફુ-હાશિમા સ્ટેશનો વચ્ચે બની હતી. સાપ વીજળીના થાંભલા પર ચઢી ગયો અને વાયર પર સરકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ. સાપ મરી ગયો અને સાંજે 7 વાગ્યા પછી વીજળી પુનઃસ્થાપિત થઈ. ટ્રેનોની અંદર વીજળી ચાલુ રહી, જેના કારણે લાઇટ અને એર કન્ડીશનીંગ કાર્યરત રહ્યું.

46 વર્ષીય સાતોશી તગાવા ટોક્યો પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘હું દર મહિને ઘણી વખત શિંકનસેનથી મુસાફરી કરું છું, પણ વીજળી ગુલ થવાને કારણે ટ્રેન બંધ થવાનો આ મારો પહેલો અનુભવ છે.’ મુસાફરોને ટ્રેનોમાં રાહ જોવી પડી અને ન્યૂઝ ચેનલોએ આનો વીડિયો પણ બતાવ્યો. આ ઘટના ગોલ્ડન વીક રજાના પહેલા દિવસે બની હતી, જ્યારે જાપાનમાં લાખો લોકો તેમના ઘરે અથવા રજાઓ માટે મુસાફરી કરતા હોય છે. આ ઉપરાંત, એપ્રિલથી ઓસાકામાં ચાલી રહેલ ઓસાકા એક્સ્પો 2025 પણ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. આ કારણે ટ્રેનોમાં ભીડ વધુ હતી.
શિંકનસેન ટોક્યો, નાગોયા અને ઓસાકાને જોડે છે. તે દરરોજ 370થી વધુ ટ્રેનોનું સંચાલન કરે છે અને સરેરાશ 4.3 લાખ મુસાફરો તેમાં મુસાફરી કરતા હોય છે. 285 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તે અઢી કલાકથી ઓછા સમયમાં ટોક્યોથી ઓસાકા પહોંચી જાય છે. 1964ના ટોક્યો ઓલિમ્પિક પહેલા શરૂ થયેલી આ ટ્રેન તેના ચોક્કસ સમયપાલન માટે પ્રખ્યાત છે. સરેરાશ, તે સમયપત્રકથી માત્ર 1.6 મિનિટ મોડી ચાલતી હોય છે.

આ પહેલી વાર નથી જ્યારે શિંકનસેનને સાપના કારણે રોકવામાં આવી હોય. ગયા વર્ષે એપ્રિલમાં, ટ્રેનના ડબ્બામાં 40 cmનો સાપ મળી આવ્યો હતો, જેના કારણે ટ્રેન 17 મિનિટ મોડી પડી હતી. 2009માં, એક સાપે ટોક્યો અને ફુકુશિમા વચ્ચે ઇલેક્ટ્રિક વાયર પર ચઢીને ટ્રેનો રોકી હતી. શિંકનસેનનો સલામતીનો રેકોર્ડ ઉત્તમ છે. તેમાં 7 અબજથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને એક પણ અકસ્માત કે ઈજા થઈ નથી. તે સેન્ટ્રલ જાપાન રેલ્વે કંપની (JR Tokai) દ્વારા સંચાલિત થાય છે અને તે તેની સ્વચ્છતા અને સમયપાલન માટે વિશ્વભરમાં પ્રશંસા પામે છે.