
-copy13.jpg?w=1110&ssl=1)
લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં સરકાર લોકોની ઇચ્છા અને અવાજનું પ્રતિબિંબ હોવી જોઈએ. ગુજરાતમાં કહેવાતું આવ્યું છે: “સરકાર લોકોથી ગભરાતી રહે તેનું નામ લોકશાહી.” પરંતુ આજના સમયમાં ઘણી વખત એવું લાગે છે કે લોકો જ સરકારથી ગભરાય છે. આ પરિસ્થિતિ લોકશાહીના મૂળ હેતુને પડકારે છે. આપણે નાગરિકો તરીકે આપણી ભૂમિકા અને શક્તિને સમજીએ તો આ ગભરાટને હિંમતમાં બદલી શકીએ.

લોકશાહીમાં નાગરિકોનો મત એ સૌથી મોટું હથિયાર છે. આપણે સરપંચ, કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદને ચૂંટીએ છીએ જેથી તેઓ સમાજની સેવા કરે, સમસ્યાઓનું નિરાકરણ લાવે અને આપણા અવાજને સરકાર સુધી પહોંચાડે. પરંતુ ચૂંટાયા પછી ઘણા નેતાઓ આ જવાબદારી ભૂલી જાય છે. આનાથી નાગરિકોમાં નિરાશા અને ભયની લાગણીઓ જન્મે છે. પ્રશ્ન એ છે કે આપણે આ ગભરાટને કેમ સ્વીકારી લઈએ? આપણે નાગરિકો તરીકે શું કરી શકીએ?
સૌપ્રથમ આપણે આપણા અધિકારો અને ફરજોને સમજવાની જરૂર છે. લોકશાહીમાં નાગરિકો માત્ર મતદાતા નથી પરંતુ સરકારના ભાગીદાર છે. આપણે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જવાબ માંગી શકીએ છીએ. ગામની પાણીની સમસ્યા હોય, શહેરના રસ્તાઓની ખરાબ હાલત હોય કે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓની અછત હોય આપણે આ મુદ્દાઓ પર પ્રતિનિધિઓ ને બોલાવી ચર્ચા કરવી જોઈએ. સ્થાનિક નેતાઓ સાથે સંવાદ, ગ્રામસભાઓમાં ભાગીદારી અને જનહિતની અરજીઓ એ આપણા અધિકારીક હથિયારો છે.

બીજું આપણે એકજૂથ થઈને ગામ શહેર રાજ્ય અને દેશ માટે કામ કરવું જોઈએ. એક વ્યક્તિનો અવાજ નબળો હોઈ શકે પરંતુ સમુદાયનો અવાજ સરકારને વિચારવા મજબૂર કરી શકે છે. આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મે આપણને વધુ શક્તિશાળી બનાવ્યા છે. આપણે આ પ્લેટફોર્મનો ઉપયોગ જાગૃતિ ફેલાવવા, સમસ્યાઓ ઉજાગર કરવા અને નેતાઓને જવાબદાર ઠેરવવા માટે કરી શકીએ.
ત્રીજું આપણે આપણા મતનું મૂલ્ય સમજવું જોઈએ. ચૂંટણીમાં માત્ર મત આપવો એ પૂરતું નથી પરંતુ યોગ્ય ઉમેદવારને ચૂંટવો જરૂરી છે. ઉમેદવારનો ભૂતકાળ, તેમનું કામ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ધ્યાનમાં લઈને મત આપવો જોઈએ. આપણો એક મત લોકશાહીના ભવિષ્યને બદલી શકે છે.

આખરે લોકશાહી ત્યારે જ સફળ થાય છે જ્યારે નાગરિકો જાગૃત, નીડર અને સક્રિય હોય. આપણે ગભરાવાનું નથી, પરંતુ આપણી શક્તિને ઓળખીને આગળ વધવાનું છે. લોકશાહી આપણું ઘર છે અને તેને જીવંત રાખવાની જવાબદારી આપણી છે. વિચારજો અને લોકશાહીની કાળજી લેવા એક ડગલું માંડજો.