
-copy54.jpg?w=1110&ssl=1)
જીવન એક એવી યાત્રા છે જ્યાં આપણે ઘણી બધી સંપત્તિઓ એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ સાચી સંપત્તિ શું છે? પદ, પૈસા અને સંપત્તિ નિશ્ચિત રીતે મહત્વનાં છે પરંતુ તેનો અંત નિશ્ચિત છે. બીજી બાજુ માન અને સન્માન એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટે નહીં અને ક્યારેય નાશ પામે નહીં. આ અનંત સંપત્તિ છે જે આપણા જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે.
માન અને સન્માન કમાવવું એ કોઈ સરળ કાર્ય નથી. તે માટે આપણે સત્ય, નીતિ અને પ્રામાણિકતાના માર્ગે ચાલવું પડે છે. જ્યારે આપણે બીજાની લાગણીઓનું સન્માન કરીએ નાનામોટા દરેક વ્યક્તિ સાથે નમ્રતાથી વર્તીએ અને સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું માન વધે છે. આ સન્માન એવી સંપત્તિ છે જે કોઈ બેંકમાં જમા થયેલા પૈસા કે મિલકતથી ઘણી આગળ છે. પૈસા ખર્ચાઈ જાય, પદ ખોવાઈ જાય પરંતુ માન અને સન્માન હંમેશાં આપણી સાથે રહે છે.

જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે પદ અને પૈસાની પાછળ દોડીએ છીએ પરંતુ આ દોડમાં આપણે ઘણું બધું ગુમાવી બેસીએ છીએ. જો આપણે આપણી નૈતિકતા, મૂલ્યો અને સિદ્ધાંતોને સાચવીએ તો આપણે એવી સંપત્તિ / મૂડી મેળવીએ છીએ જે આપણને આખી જિંદગી ગૌરવની અનુભૂતિ કરાવે છે. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યારેય પદ કે પૈસાની પાછળ દોડ ન કરી પરંતુ તેમની રાષ્ટ્રભક્તિ અને સમર્પણ માર્ગે તેમણે વિશ્વભરમાં સન્માન મેળવ્યું જે આજે પણ જીવંત છે.
આજના યુગમાં જ્યાં સ્પર્ધા અને સ્વાર્થની ચર્ચા છે ત્યારે આપણે એકબીજાને પ્રેરણા આપી શકીએ છીએ. નાનાનાના કાર્યો જેમ કે ગરીબની મદદ કરવી, સત્ય બોલવું અને નમ્રતાથી વર્તવું આપણને સન્માનની દુનિયામાં અમર બનાવે છે. આ સંપત્તિ એવી છે જે ન તો કોઈ દ્વારા ચોરી શકાય અને ન તો ખતમ થાય.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)