
ભારત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે દેશના રક્ષા ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચે છે. ઇઝરાયલે ભારતની પુણે સ્થિત રક્ષા કંપની નિબે લિમિટેડને 150 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર યુનિવર્સલ રોકેટ લોન્ચર્સના નિર્માણ અને સપ્લાય માટે છે જેની રેન્જ 300 કિલોમીટર સુધીની હોવાનું જણાવાયું છે. આ કરાર નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે જે ભારતની રક્ષા ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપશે.

આ સિદ્ધિ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની સફળતાનું પ્રતીક છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં શરૂ કર્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ ભારતને સ્વનિર્ભર બનાવવાનો અને દેશમાં ઉત્પાદન તેમજ નિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આજે ભારત માત્ર હથિયારોની આયાત કરનાર દેશ નથી રહ્યું પરંતુ એક એવો દેશ બની ગયો છે જે વિશ્વના શક્તિશાળી દેશોને રક્ષા સાધનોની નિકાસ કરી રહ્યો છે. ઇઝરાયલ જેવા ટેકનોલોજીમાં આગળ રહેલા દેશે ભારતીય રક્ષા કંપની પર ભરોસો દર્શાવ્યો જે ભારતની વધતી તાકાત અને વિશ્વસનીયતાનો પુરાવો છે.
આ સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ કારણ કે તેમની દૂરંદેશી અને નેતૃત્વએ ભારતના રક્ષા ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના હેઠળ રક્ષા ક્ષેત્રમાં ઘણા પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે જેમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ, વિદેશી રોકાણના નિયમોમાં છૂટછાટ અને વેપાર માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું સામેલ છે. આના પરિણામે ભારતની રક્ષા નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે ભારત 75થી વધુ દેશોમાં રક્ષા સાધનોની નિકાસ કરે છે.

ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો 1992થી મજબૂત થયા છે અને આ ઓર્ડર બંને દેશોના સામરિક સંબંધોને વધુ ગાઢ બનાવશે. આ ઘટના ભારતની આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય રક્ષા ઉદ્યોગની આ સફળતા દેશના યુવાનો અને ઉદ્યોગો માટે નવી તકો ખોલશે જે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે)