

પાકિસ્તાનની રાજનીતિ આ સમયે એક અજીબ વળાંક પર ઊભી છે. એક તરફ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં છે, તો બીજી તરફ આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની નિરંકુશ તાકત પર સવાલ ઉઠવા લાગ્યા છે. ઇમરાન ખાનના નજીકના સહયોગી અને ગ્લોબલ PTIના પ્રમુખ ડૉ. સલમાન અહમદનું કહેવું છે કે પાકિસ્તાનમાં ખરેખર માર્શલ લો લાગૂ થઈ ચૂક્યો છે, માત્ર નામ લેવામાં આવ્યું નથી.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડૉ. સલમાને કહ્યું કે પાકિસ્તાનમાં અમેરિકન હસ્તક્ષેપ ખૂલીને સામે આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, હવે અમેરિકા પોતે ઇમરાન ખાનની મુક્તિ માટે ગંભીર પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તાજેતરમાં પાકિસ્તાની મૂળના અમેરિકનોએ તાજેતરમાં જ અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યા હતા અને તેની પાછળ એક જ ઉદ્દેશ્ય હતો- અસીમ મુનીરને ખુરશી પરથી હટાવવાનો.
ડૉ. સલમાને દાવો કર્યો હતો કે 2024માં જ્યાં ઇમરાન ખાનનું જનસમર્થન લગભગ 66 ટકા હતું, ત્યારે હવે આ આંકડો 90 ટકાથી વધારે થઈ ચૂક્યો છે. તેમના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં હવે કોઈ લોકતાંત્રિક સરકાર બચી નથી અને દેશ પૂરી રીતે આર્મી ચીફ અસીમ મુનીરના નિયંત્રણમાં છે. તેઓ કહેવા પૂરતા ફિલ્ડ માર્શલ છે, પરંતુ વાસ્તવમાં તેઓ એક સરમુખત્યારની ભૂમિકામાં છે. પાકિસ્તાનમાં બધું જ રબર સ્ટેમ્પ જેવું છે અને મુનીર જે ઇચ્છે છે તેજ થાય છે. તાજેતરમાં, ઇમરાન ખાન સામે કરગરીને માફી માગવાની શરત રાખવામા આવી, જેને તેમણે ફગાવી દીધી.

આ અગાઉ, અમેરિકન કોંગ્રેસમાં ‘પાકિસ્તાન ડેમોક્રેસી એક્ટ’ નામનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં રાજનીતિક દમન માટે આર્મી ચીફ અસીમ મુનીર પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. તેમાં, ઇમરાન ખાનને રાજનીતિક કેદી કહેવામાં આવ્યા છે અને અમેરિકન સરકારને તેમના સમર્થનની અપીલ કરવામાં આવી છે. ઇમરાન ખાનના નજીકના ડૉ. સલામના જણાવ્યા મુજબ, અમેરિકામાં રહેતા લાખો પાકિસ્તાની-અમેરિકનોએ આ વખત ટ્રમ્પને મતદાન કરીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાનમાં લોકતંત્રની પુનઃસ્થાપના અને ઇમરાન ખાનની મુક્તિને નજરઅંદાજ ન કરી શકાય.