
દેશના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સંરક્ષણ ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસની લડાઈ પછી તેમની પહેલી જાહેર ટિપ્પણીમાં, એર ચીફ માર્શલે સંરક્ષણ સોદાઓના પુરવઠામાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે ‘એક પણ પ્રોજેક્ટ’ સમયસર પૂર્ણ થયો નથી. તેમણે કહ્યું કે આમ છતાં, સશસ્ત્ર દળોએ અત્યાર સુધી આ સમસ્યા પર બોલવાનું ટાળ્યું છે. તેમણે પોતાનો મુદ્દો રજૂ કરવા માટે અંગ્રેજી રૂઢિપ્રયોગ ‘બ્લેક શીપ’નો ઉપયોગ કર્યો.
એર ચીફ માર્શલ સિંહ, જે સ્પષ્ટ શબ્દોમાં બોલવા માટે પ્રખ્યાત છે, તેમણે કહ્યું કે, લગભગ એક દાયકા પહેલા સુધી, ભારતીય વાયુસેના મુખ્યત્વે તેની ખરીદી માટે ‘બહારની તરફ’ નજર નાખતી હતી, પરંતુ પાછળથી તેમાં બદલાવ આવ્યો અને અમે દેશની અંદર તકો શોધવાનું શરૂ કર્યું.

તેમણે તે વાત ભારપૂર્વક જણાવી કે વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિએ ‘અમને એ અહેસાસ કરાવ્યો છે કે, આત્મનિર્ભરતા જ એકમાત્ર ઉકેલ છે.’
તેમના સંબોધનમાં, વાયુસેનાના વડાએ સંરક્ષણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં વિલંબ પર દુઃખ વ્યક્ત કર્યું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તેજસ હળવા લડાયક વિમાનના પુરવઠામાં થઈ રહેલા ભારે વિલંબથી વાયુસેના નારાજ છે.
એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કહ્યું, ‘સમયમર્યાદા એક મોટો મુદ્દો છે; આ તે વસ્તુ છે જ્યાં પ્રતિબદ્ધતા દર્શાવવાની વાત આવે છે. એકવાર સમયમર્યાદા આપી દીધી તો આપી..’

ઊંડી નિરાશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમને લાગે છે કે એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી.’
સંરક્ષણ ડિલિવરીમાં વિલંબનો મુદ્દો આગળ ઉઠાવતા તેમણે કહ્યું, ‘તો, આ એવી બાબત છે જેની પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે એવું વચન કેમ આપવું જોઈએ જે પૂર્ણ ન થઈ શકે.’ ‘ઘણી વખત કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જ આપણને ખાતરી થઇ જતી હોય છે કે, આ કાર્ય પૂર્ણ થવાનું નથી. પરંતુ અમે કરાર પર હસ્તાક્ષર કરીએ છીએ અને જોઈએ છીએ કે તે પછી શું કરી શકાય છે… દેખીતી રીતે ત્યાં સુધીમાં તો આખી પ્રક્રિયા જ બગડી ગઈ હોય છે.’
આંકડો આપ્યા વિના, એર ચીફ માર્શલ સિંહે કહ્યું કે, જ્યાં સુધી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનો સંબંધ છે, વાયુસેના તેને શક્ય તેટલો અમલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું, ‘સરકારે જે કંઈ પણ નિયમો બનાવ્યા છે… હું એમ નથી કહેતો કે આપણે આ માર્ગ પર જાતે જ આવ્યા હોત. એવો સમય હતો જ્યારે અમને હંમેશા ભારતીય ઉદ્યોગ વિશે શંકા રહેતી હતી કે શું તે અમને જોઈએ તેટલું વળતર આપી શકે છે, તે અમને જે ઉત્પાદન જોઈએ છે તે આપી શકતું નથી, અને અમે ‘બહાર’ની તરફ નજર નાખતા હતા.’
એર ચીફ માર્શલ સિંહે કહ્યું, ‘પરંતુ છેલ્લા દાયકામાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે, અમારી ટીકાએ અમને અંદર વિચારવા, અંદર જોવા માટે મજબૂર કર્યા છે, અને પછી અમને સમજાયું કે હા ભારતમાં અમારા માટે ઘણી તકો છે.’
વાયુસેનાના વડાએ કહ્યું કે, વિશ્વની વર્તમાન પરિસ્થિતિએ ‘અમને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે, આત્મનિર્ભરતા એકમાત્ર ઉકેલ છે.’ જો કે, તેમણે એમ પણ કહ્યું કે, આપણે ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડશે.

વાયુસેનાના વડા માર્શલે સંરક્ષણ સોદાઓની ડિલિવરીમાં વિલંબ અંગે શ્રોતાઓને તેમની ચિંતા સમજાવી. તેમણે કહ્યું, ‘તો એ ચિંતા છે કે હા, હું આગામી 10 વર્ષોને જોઈ શકું છું, જ્યારે આપણે DRDO જેવા ઉદ્યોગમાંથી થોડું વધુ ઉત્પાદન મેળવી શકીશું. પરંતુ આજે જે વસ્તુની જરૂર છે તે આજે જ જરૂરી છે, તેથી, આપણે શક્ય તેટલી ઝડપથી આપણા કાર્યને એકસાથે લાવવાની જરૂર છે, કદાચ કોઈ ઝડપી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ કરવો જરૂરી છે, જેથી આપણે તે તૈયાર ભાગ હમણાં જ મેળવી શકીએ.’
વાયુસેનાના વડાએ સશસ્ત્ર દળો અને સંરક્ષણ ઉદ્યોગ વચ્ચે વિશ્વાસ બનાવવાની પણ હિમાયત કરી. તેમણે કહ્યું, ‘આપણે સતત સંવાદ જાળવી રાખવો પડશે, એકબીજા માટે ખુલ્લા મનથી રહેવું પડશે, આપણે એકબીજા માટે ખૂબ ખુલ્લા અને સ્પષ્ટ રહેવું પડશે, જેથી આ સંબંધ ક્યાંય તૂટે નહીં.’