

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ માટે એક કસોટી હશે અને ભૂતપૂર્વ ભારતીય પસંદગીકાર સબા કરીમના મતે, કેપ્ટન તરીકેની તેમની સફળતા તેમના પોતાના બેટિંગ પ્રદર્શન પર નિર્ભર રહેશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોની નિવૃત્તિ પછી શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કરીને ભારતે ટેસ્ટ ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત કરી છે. ગિલ એક પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ તે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં સંપૂર્ણ રીતે ઉભરી શક્યો નથી. તેણે 32 ટેસ્ટમાં 1893 રન બનાવ્યા છે, જેમાં સરેરાશ 32 કરતા થોડી ઓછી છે અને તેના નામે ચાર સદી છે.

તેની ટેકનિક કડક છે અને બેટિંગ આકર્ષક છે, પરંતુ અત્યાર સુધી તેણે ટેસ્ટ ક્રિકેટમાં તે પ્રકારનું સાતત્યપૂર્ણ, મેચ જીતનારું પ્રદર્શન આપ્યું નથી જે એક દિગ્ગજ બેટ્સમેનની ઓળખ છે. આમ છતાં, સબા કરીમને તેના પર વિશ્વાસ છે.
સબા કરીમે કહ્યું, ‘આ તેના માટે એક કસોટી છે અને મને ખાતરી છે કે તે તેના માટે તૈયાર છે. આ તેના માટે એક મોટી તક છે. તેણે ત્યાં બેટિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે, જો તે આમ કરી શકશે તો તેની કેપ્ટનશીપમાં પણ આપમેળે સુધારો થઇ જશે.’
જોકે, ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન સબા કરીમે ભારતીય ટીમના સંતુલનની પણ પ્રશંસા કરી. તેમણે ખાસ કરીને ટીમમાં યુવા ખેલાડીઓ અને અનુભવી ચહેરાઓના સંયોજનને સકારાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું કે, મને આ યુવા ભારતીય ટીમ પાસેથી સારા પરિણામોની અપેક્ષા છે. મેચો ખૂબ જ મુશ્કેલ હશે અને મને લાગે છે કે, આ ટીમ તેના માટે તૈયાર છે. સબા કરીમે ઈંગ્લેન્ડ લાયન્સ સામે બેવડી સદી ફટકારવા બદલ કરુણ નાયરની પ્રશંસા કરી અને આ પ્રવાસમાં નાયર સાથે સાંઈ સુદર્શનને જોવા લાયક બેટ્સમેન ગણાવ્યો.

તેમણે આગળ કહ્યું કે, અર્શદીપ ખૂબ જ પ્રતિભાશાળી બોલર છે, ઈંગ્લેન્ડનો પાછલો અનુભવ તેના માટે ફાયદાકારક રહેશે. ટીમને શમીના વિકલ્પની જરૂર હતી અને મને લાગે છે કે તેઓએ યોગ્ય ખેલાડી પસંદ કર્યો છે. હું તેને એક્શનમાં જોવા માટે પણ ઉત્સુક છું.