

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે રાજીનામુ આપ્યા પછી, તેઓ ખુલ્લેઆમ ટ્રમ્પ સામે ઉભા થઇ ગયા છે. બંને બાજુથી જોરદાર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યું છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે, જય અને વીરુની જેમ ટ્રમ્પ અને મસ્કની આ જોડી કેવી રીતે અલગ થઇ ગઈ?
મસ્કે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપ્યો હતો. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ટ્રમ્પના સમર્થનમાં એક જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી અને ઘણી વખત જાહેર રેલીઓમાં ભાગ પણ લીધો હતો. મસ્કને આ માટે પુરસ્કાર પણ મળ્યો હતો અને તેમને DOGEનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પરંતુ પછી ટ્રમ્પનું મહત્વાકાંક્ષી ‘વન બિગ, બ્યુટીફુલ બિલ’ આવ્યું જે ખૂબ જ ધામધૂમથી પસાર થયું. મસ્કે પહેલા શાંત અવાજમાં તેનો વિરોધ કર્યો અને જ્યારે આ ઉપાય કામ ન લાગ્યો તો તેમણે ખુલ્લેઆમ તેનો વિરોધ કર્યો.

આ બિલનો મસ્ક દ્વારા વિરોધ કરવાનું કારણ એ હતું કે આ બિલમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ નાબૂદ કરવામાં આવી હતી, જેની સીધી અસર મસ્કના ટેસ્લાના વેચાણ પર પડવાની છે. આ કારણે, મસ્કે આ બિલને વિનાશક ગણાવ્યું અને ટ્રમ્પ પર રાતોરાત પસાર કરવાનો આરોપ લગાવ્યો.
ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધ્યું અને કહ્યું કે, મને મસ્ક દ્વારા મારી વિરુદ્ધ ઉભા રહેવાથી કોઈ વાંધો નથી. તેમણે આ મહિનાઓ પહેલા કરી લેવું જોઈતું હતું. આ સંસદમાં રજૂ કરાયેલું શ્રેષ્ઠ બિલ છે. તે સરકારના મોટા ખર્ચ બચાવશે અને અત્યાર સુધીનો સૌથી મોટો કર કાપ હશે. જો આ બિલ પસાર ન થયું હોત, તો કરમાં 68 ટકાનો વધારો થયો હોત.
આના પર, એલોન મસ્કે જવાબ આપ્યો કે, આ બિલ મને એક વાર પણ બતાવવામાં આવ્યું ન હતું અને તે રાતોરાત પસાર કરવામાં આવ્યું હતું જેથી કોઈ તેને સંસદમાં પણ વાંચી ન શકે.

આ રીતે, ટ્રમ્પ અને મસ્ક હવે ખુલ્લેઆમ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પે શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં મસ્ક પર નિશાન સાધતા કહ્યું કે, આપણા બજેટનો મોટો હિસ્સો ખર્ચ કરવાથી બચાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે મસ્કની સરકારી સબસિડી અને કરારો સમાપ્ત કરવામાં આવે. મને આશ્ચર્ય થાય છે કે બાઇડેનએ આ કેમ ન કર્યું?
મસ્ક પણ આ પર ચૂપ રહ્યા નહીં. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, મારા સરકારી કરાર રદ કરવાના રાષ્ટ્રપતિના નિવેદનને ધ્યાનમાં રાખીને, સ્પેસએક્સ ટૂંક સમયમાં તેના ડ્રેગન અવકાશયાનને બંધ કરવાનું શરૂ કરશે.
ટ્રમ્પે કહ્યું કે, મસ્ક મારી વિરુદ્ધ ઉભા થઇ ગયા છે, કારણ કે મેં તેમને DOGE છોડવાનું કહ્યું હતું. મેં ઇલેક્ટ્રિક વાહનનો આદેશ સમાપ્ત કર્યો છે. આ કારણે લોકોને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. આ કારણે તે (મસ્ક) પાગલ થઈ ગયો છે.
આનો જવાબ આપતા મસ્કે કહ્યું કે, ટ્રમ્પના ટેરિફ આ વર્ષના બીજા ભાગમાં મંદી તરફ દોરી શકે છે.

મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના શાબ્દિક યુદ્ધથી રોકાણકારોનો તણાવ વધી ગયો છે. જેના કારણે મસ્કના ટેસ્લાના શેરમાં ઘટાડો થયો છે. 2010માં ટેસ્લા જાહેર થયા પછી 15 વર્ષમાં ગુરુવારનો આ 11મો પ્રસંગ હતો, જ્યારે ટેસ્લાના શેરમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ટેસ્લાના શેરમાં 14 ટકા સુધીનો ઘટાડો થયો છે. આના કારણે મસ્કને લગભગ 12.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે મસ્કની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. ગુરુવારે, મસ્કને 26 બિલિયન ડૉલર (રૂ. 2.23 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ફોર્બ્સ અનુસાર, હવે તેમની નેટવર્થ 388 બિલિયન ડૉલર (રૂ. 33.31 લાખ કરોડ) થઈ ગઈ છે. તેને આ રીતે સમજો કે, ટ્રમ્પની કુલ સંપત્તિ 5.5 બિલિયન ડૉલર છે. મસ્કને એક દિવસમાં આનાથી 5 ગણું વધુ નુકસાન થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના આ બિલમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કર મુક્તિ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. બાઇડેન સરકાર નવી EVની ખરીદી પર 7,500 ડૉલરની કર મુક્તિ આપતી હતી. ટ્રમ્પ તેને સમાપ્ત કરવા જઈ રહ્યા છે.

આ બિલમાં એક જોગવાઈ છે કે, 2009થી 2025ની વચ્ચે બે લાખ EV વેચનાર કંપનીઓને મુક્તિ મળશે નહીં. આ એલોન મસ્કના ટેસ્લા માટે સીધો ઝટકો છે.
બીજું કારણ એ છે કે, એલોન મસ્ક તેમના વિશ્વાસુ જેરેડ આઇઝેકમેનને US સ્પેસ એજન્સી NASAમાં એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરાવવા માંગતા હતા. પરંતુ ટ્રમ્પે તેમની ભલામણને અવગણી હતી. મસ્ક માનતા હતા કે, જો આઇઝેકમેન NASAમાં એડમિનિસ્ટ્રેટર બને છે, તો તેનાથી તેમની કંપની SpaceX ને પણ ફાયદો થશે.
ટ્રમ્પે મસ્કને DOGEની જવાબદારી સોંપી હતી, જેનું કામ સરકારી ખર્ચ ઘટાડવાનું હતું. ટ્રમ્પે તેમને ‘નકામા અને બિનજરૂરી ખર્ચ’ ઘટાડવા કહ્યું હતું. આ માટે, DOGEએ હજારો અને લાખો સરકારી કર્મચારીઓને છટણી કરી. આનાથી એલોન મસ્કની છબી ખરાબ થઈ. મોટાભાગના લોકો માનતા હતા કે મસ્ક પોતાની મરજીથી લોકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે.