

કોંગ્રેસે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસમાં છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ટિપ્પણી કર્યા પછી લક્ષ્મણ સિંહ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ સતત પક્ષ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. આ પછી, થોડા દિવસો પહેલા, શિસ્ત સમિતિએ આ કાર્યવાહીની ભલામણ કરી હતી. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

પાર્ટીની શિસ્ત કાર્યવાહી સમિતિના સભ્ય સચિવ તારિક અનવરે બુધવારે બહાર પાડેલી એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી હતી. પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, ‘કોંગ્રેસ પ્રમુખ (મલ્લિકાર્જુન ખડગે)એ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે તાત્કાલિક અસરથી છ વર્ષ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા છે.’

લક્ષ્મણ સિંહે તાજેતરના સમયમાં ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ટીકાત્મક ટિપ્પણીઓ કરી હતી. થોડા અઠવાડિયા પહેલા જ સિંહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ‘અણસમજુ’ ગણાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, દેશ તેમની અપરિપક્વતાના પરિણામો ભોગવી રહ્યો છે.

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, કોંગ્રેસના નેતાએ રોબર્ટ વાડ્રાની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. વાડ્રાએ કહ્યું હતું કે, આતંકવાદીઓએ PM નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો હતો કે, ‘મુસ્લિમો ભારતમાં પોતાને કમજોર અનુભવી રહ્યા છે.’ આ અંગે લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે, ઉદ્યોગપતિનું નિવેદન ‘દેશની સુરક્ષા માટે ખતરો છે.’ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા આતંકવાદીઓ સાથે ‘મેળાપીપણું’ હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે, ‘રોબર્ટ વાડ્રાનું નિવેદન કે આતંકવાદીઓએ મુસ્લિમોને રસ્તા પર નમાજ પઢવા ન દેવાને કારણે હુમલો કર્યો, તે માત્ર બેજવાબદાર જ નથી પણ દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. હું આ બધું કેમેરા સામે કહી રહ્યો છું, જેથી કોઈ મૂંઝવણમાં ન રહે. કોંગ્રેસે બોલતા પહેલા 10 વાર વિચારવું જોઈએ, નહીં તો જનતા ચૂંટણીમાં તેનો જવાબ આપશે.’