

અમેરિકાના ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર ભારતીય નાગરિકને હાથકડી પહેરાવવાનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. તેના પર હવે એવું અપડેટ આવ્યું છે કે આ યુવકે માન્ય વિઝા વિના અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવાયેલો યુવક હરિયાણાનો રહેવાસી છે. તે અમેરિકામાં વિઝા વિના પકડાયો હતો. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે યુવકને અમેરિકન અધિકારીઓ દ્વારા જમીન પર દબોચ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક યુવક એરપોર્ટ પર જમીન પર પડેલો છે અને અધિકારીઓ દ્વારા તેને હાથકડી પહેરાવવામાં આવી રહી છે. આ વીડિયો ભારતીય-અમેરિકન સામાજિક ઉદ્યમી કુણાલ જૈન દ્વારા X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે આ ઘટનાને માનવતા પર પ્રહાર ગણાવ્યો હતો. જૈને લખ્યું કે, ‘મેં નેવાર્ક એરપોર્ટ પર એક યુવા ભારતીય વિદ્યાર્થીને હાથકડીમાં જોયો- તે રડી રહ્યો હતો, તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. તે પોતાના સપનાઓ પાછળ ભાગતા આવ્યો હતો, ન કે કોઈને નુકસાન પહોંચાડવા. એક પ્રવાસી ભારતીય તરીકે, હું લાચાર અને દુઃખી અનુભવી રહ્યો છું. આ એક માનવીય દુર્ઘટના છે.’
ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યુ કે યુવકને અમેરિકની કોર્ટના આદેશ પર ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે. દૂતાવાસે વાયરલ વીડિયોની તપાસ શરૂ કરી છે અને અમેરિકન અધિકારીઓનો સંપર્ક કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન યુવક અસહયોગી અને અસ્થિર વ્યવહાર કરતો જોવા મળ્યો હતો, જેના કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પછી મેડિકલ તપાસ માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો. ચિકિત્સકીય રૂપે સ્વસ્થ જણાયા બાદ જ તેને ભારત પરત મોકલવામાં આવશે.

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન DCમાં ભારતીય મિશન સતત અધિકારીઓએ સાથે સમન્વય કરી રહ્યા છે જેથી યુવકની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરી શકાય.