

12 જૂનનો દિવસ ગુજરાત અને દેશ માટે ખૂબ અમંગળ અને અશુભ રહ્યો. આ દિવસે અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. પ્લેન ટેકઓફ કર્યાના થોડા જ સમય બાદ ક્રેશ થઈ ગયું અને તેમાં અત્યાર સુધી 270 લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતે આટલી મોટી દુર્ઘટના લગભગ પહેલી વખત જોઈ હશે. હવે પ્લેનનું બ્લેક બોક્સ મળી ગયું છે ત્યારે બ્લેક બોક્સને ડીકોડ કર્યા બાદ જ વિમાન ટેકઓફ થતા જ ક્રેશ કેમ થઈ ગયું તેનું રહસ્ય ખુલશે. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બ્લેક્સ બોક્સને ડીકોડ કરવામાં આવી રહ્યું છે, તેનો રિપોર્ટ આવતા 3 મહિના લાગશે. તો હવે આ દુર્ઘટનાને લઈને યોગ ગુરુ બાબા રામદેવે આશંકા વ્યક્ત કરી છે.

બાબા રામદેવે એર ઇન્ડિયા અકસ્માતને લઈને સવાલ ઉઠાવ્યા છે. રામદેવે આ સવાલ તુર્કીની કંપની પર ઉઠાવ્યો. બાબા રામદેવે કહ્યું કે, મને ખબર પડી કે વિમાનનું મેન્ટેનેન્સ તુર્કીની એક એજન્સી કરે છે. કદાચ તુર્કીની કંપનીએ ભારત સાથેની પોતાની દુશ્મની તો નથી કાઢી? ભારતે એવિએશન સેક્ટર ઉપર વધુ નજર રાખવી પડશે. તેમણે આ અકસ્માતમાં તુર્કીની એજન્સીના ષડયંત્ર પર પણ આશંકા વ્યક્ત કરી. રામદેવે કહ્યું કે, ભારતે ઓછામાં ઓછા આવા સંવેદનશીલ ક્ષેત્રમાં વિદેશી હસ્તક્ષેપ ખતમ કરવો પડશે.

ગુરુવારે બપોરે, લંડન જઈ રહેલું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમય બાદ મેડિકલ કૉલેજ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા. આ દેશના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાંથી એક છે. એર ઇન્ડિયાની માલિકી ટાટા ગ્રુપ પાસે છે. એર ઇન્ડિયા (AI)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે આ વિમાનન કંપનીનું સ્વામિત્વ રાખનાર ટાટા ગ્રુપ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપશે. આ વિમાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ આ ગ્રુપ ઉઠાવશે.