

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પેટ્રોલ પંપ પર કામ કરતા સેલ્સમેનની છાતી પર એક યુવતીએ રિવોલ્વર તાકી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી, પોલીસે સેલ્સમેનની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને યુવતી અને તેના પિતાને કસ્ટડીમાં લીધા છે અને લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર જપ્ત કરી છે.
કારમાં CNG ભરતી વખતે સેલ્સમેને કારમાં બેઠેલા લોકોને નીચે ઉતરવાનું કહ્યું ત્યારે આ ઝઘડો થયો હતો. જેના પર યુવતીએ ઝઘડો કર્યા પછી સેલ્સમેનની છાતી પર રિવોલ્વર તાકી દીધી હતી અને તેને ધમકી પણ આપી હતી. આ ઘટનાથી સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે સેલ્સમેનની ફરિયાદ પર કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, શાહબાદ વિસ્તારનો રહેવાસી એહસાન ખાન રવિવારે સાંજે 6 વાગ્યે બિલગ્રામ કોતવાલી વિસ્તારના સેન્ડી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર તેની પુત્રી સુરીશ ખાન ઉર્ફે અરીબા અને પત્ની હુસ્નબાનો સાથે કારમાં આવ્યો હતો. તે આ પેટ્રોલ પંપ પર CNG ભરવા આવ્યો હતો. CNG ભરતી વખતે સેલ્સમેન રજનીશ કુમારે તેમને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું. જ્યારે તેઓ નીચે ન ઉતર્યા, ત્યારે રજનીશે તેમને જોખમની ચેતવણી આપી અને નીચે ઉતર્યા વિના કારમાં CNG ભરવાની ના પાડી દીધી.
સેલ્સમેન રજનીશના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા એહસાન ખાન આ બાબતે તેની સાથે ઝઘડો કર્યો અને અપશબ્દો બોલવા લાગ્યો. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે એહસાન ખાનની પુત્રી અરીબાએ કારમાંથી રિવોલ્વર લાવીને તેની છાતી પર તાકી દીધી. એવો આરોપ છે કે, અરીબાએ સેલ્સમેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યાર પછી, પેટ્રોલ પંપ પર હાજર લોકોએ કોઈક રીતે મામલો શાંત પાડ્યો.

અરીબા દ્વારા સેલ્સમેન પર રિવોલ્વર તાકવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હવે આ કેસમાં પોલીસે સેલ્સમેનની ફરિયાદ પર એહસાન ખાન, તેની પુત્રી અને પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને નોટિસ મોકલી આપી છે.
