

જમ્મુ-કાશ્મીર રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને ફરી એક વખત રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે (24 જૂન) કહ્યું હતું કે, જો જમ્મુ-કાશ્મીરના રાજ્ય દરજ્જાને પુનઃસ્થાપિત કર્યા બાદ, વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ કરાવવામાં આવે છે, તો તેમને કોઈ આપત્તિ નથી. શ્રીનગરથી 52 કિમી દૂર ગુલમર્ગમાં મીડિયા સાથે વાત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘મેં અખબારમાં વાંચ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ ફરીથી કરાવવી પડશે. તેમને એમ કરવા દો, કોણે રોક્યા છે.’

ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યનો દરજ્જો જમ્મુ-કાશ્મીરના લોકોનો અધિકાર છે. મને ખબર છે કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે. મને ખબર છે કે અહીં અખબારમાં આ સમાચાર કોણે પ્રકાશિત કરાવ્યા.’

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, ‘આ માત્ર ધારાસભ્યોને ડરાવવા માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રાજ્યનો દરજ્જો કોઈ ધારાસભ્ય કે સરકાર માટે નથી. આ રાજ્યનો દરજ્જો જમ્મુ-કાશ્મીરના લોકો માટે છે અને અમે ધારાસભ્યો તેમાં અવરોધ નહીં બનીએ. જો ધારાસભ્યોને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે વિધાનસભા ભંગ કરવાની ધમકી આપવામાં આવી રહી છે, તો એમ કરો.’

ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે, ‘જે દિવસે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ જશે, તેના બીજા જ દિવસે અમે રાજ્યપાલ પાસે જઈશું અને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરીશું. અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. રાજ્યનો દરજ્જો અમારો અધિકાર છે અને તે અમને પાછો આપો. અખબારોમાં સમાચારો છપાવવાના બંધ કરો, આ કામ નહીં કરે.