

અમદાવાદમાં 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સલામત રીતે પાર પાડી શકાય એ હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહવિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ
મુખ્યમંત્રીએ રથયાત્રાના 16 કિ.મી. લાંબા રૂટ પર કાયદો વ્યવસ્થાની અને ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે પ્રથમવાર રથયાત્રામાં AI આધારિત ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ સિસ્ટમનો ઉપયોગ થવાનો છે, જેનું પ્રેઝન્ટેશન પણ બેઠકમાં રજુ કરવામાં આવી.
AIના સહારે ભીડવાળા વિસ્તારોમાં તરત ચેતવણી મળી શકશે અને પોલીસ તંત્ર ભીડને નિયંત્રિત કરી શકશે. તાત્કાલિક આગ લાગવાની ઘટનાઓ માટે પણ AI આધારીત ફાયર એલર્ટ ફીચર દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકશે.

23,000થી વધુ જવાનો ફરજ પર
આ વર્ષે રથયાત્રા દરમિયાન કુલ 23,884થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. રથયાત્રામાં સામેલ રથો, અખાડાઓ, ભજન મંડળીઓ અને મહંતો માટે વિશિષ્ટ મૂવિંગ બંદોબસ્ત હેઠળ 4,500 જેટલા પોલીસકર્મીઓ નિમાવાશે.
ટ્રાફિક અને મોનિટરિંગ માટે વિશેષ બંદોબસ્ત
ટ્રાફિક વ્યવસ્થાને સરળ રાખવા માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1,000થી વધુ જવાનો કાર્યરત રહેશે. 227 CCTV કેમેરા, 41 ડ્રોન, 2,872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 ક્રેન પણ ટ્રાફિકમાં અવરોધ થવા પામે તો તરત હટાવવા માટે તૈનાત રહેશે.
સજ્જ તંત્ર, શાંતિપૂર્ણ રથયાત્રાની કલ્પના
આ તમામ વ્યવસ્થાઓના પગલે પોલીસ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. સરકારે રથયાત્રાને વિઘ્નવિહોણી રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે અને સમગ્ર તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.