

વિસનગરના કાંસા ગામ પાસે રહેતા કન્સ્ટ્રક્શન વેપારી દિનેશભાઈ પટેલની ઓફિસ મારુતિ પ્લાઝા માર્કેટમાં આવેલી છે. 2024માં તેમની ઓળખાણ સુરતના જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ અને તેમના દીકરા કૌશિક સાથે થઈ હતી. ફોન પર વારંવારની વાતચીત અને ઓફિસની મુલાકાતોને કારણે તેમની વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. આ સંબંધનો લાભ ઉઠાવીને, પિતા-પુત્રએ દિનેશભાઈને જણાવ્યું કે તેમના પર ઇન્કમટેક્સની રેડ પડી છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કેસ લડવા માટે પૈસા નથી. તેમણે દિનેશભાઈ પાસેથી મદદ માટે વિનંતી કરી અને ટુકડે-ટુકડે રૂ. 21.65 લાખ પડાવી લીધા.

ગાંધીનગર સચિવાલયની ખોટી ઓળખ આપીને છેતરપિંડી
ત્યારબાદ, છેતરપિંડી આચરનાર જયંતિ અને કૌશિકે દિનેશભાઈને જણાવ્યું કે ગાંધીનગર સચિવાલયમાં ઋષભ રેડ્ડી નામના IAS અધિકારી તેમને આ કેસમાં મદદ કરી રહ્યા છે. આ ઋષભ રેડ્ડી (જે પાછળથી અર્પિત પિયુષભાઈ શાહ હોવાનું બહાર આવ્યું) નામના શખ્સે પોતે IAS હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે દિનેશભાઈને પોતાના ખોટા ઓફિસના અને ગાડીના ફોટા મોકલીને વિશ્વાસ અપાવ્યો હતો કે પિતા-પુત્ર ઇન્કમટેક્સ કેસ જીતી જશે અને તેમના પૈસા પરત મળી જશે.
ચેક બાઉન્સ અને ધમકીઓ
ફેબ્રુઆરી 2025માં પૈસા પરત આપવાનું વચન આપ્યા બાદ, દિનેશભાઈએ પૈસાની ઉઘરાણી કરતા પિતા-પુત્રે વાયદા કરવાનું શરૂ કર્યું. 28 ફેબ્રુઆરી 2025ના રોજ તેમણે દિનેશભાઈને મહિન્દ્રા થાર ગાડીનો કરાર લેખ આપ્યો, પણ તે ગાડી બીજા કોઈના નામે હતી. ત્યાર બાદ, 13 માર્ચ 2025ના રોજ અર્પિત પિયુષભાઈ શાહના નામે રૂ. 25 લાખનો ચેક આપ્યો, જે બેન્ક બેલેન્સના કારણે બાઉન્સ થયો. ત્યારબાદ રૂ.19 લાખનો વધુ એક કુરિયર દ્વારા મોકલેલો ચેક પણ ઓછા બેલેન્સના કારણે પાછો આવ્યો.

જ્યારે દિનેશભાઈએ તેમના પૈસા પાછા મેળવવા માટે દબાણ વધાર્યું, ત્યારે પિતા-પુત્રએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તેઓએ કડકાઈથી કહ્યું, “તમારાથી થાય તે કરી લો, શાના પૈસા, અમે કોઈનાથી ડરતા નથી, અમારી પહોંચ બહુ ઊંચે સુધી છે.” આ દરમિયાન, ઋષભ રેડ્ડી (અર્પિત શાહ) પણ આમાં જોડાયો. તેણે દિનેશભાઈને ફોન પર જણાવ્યું કે તેઓ ઇન્કમટેક્સ કેસ જીતી ગયા છે અને રૂ. 500 કરોડ RBIમાં પડ્યા છે, અને જો તેઓ વધુ પૈસા નહીં આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેશે. આ ધમકીઓ આપીને, તેણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા દિનેશભાઈ પાસેથી વધુ રૂ. 79,000 પડાવી લીધા.
પોલીસ ફરિયાદ અને ધરપકડ
આ સમગ્ર છેતરપિંડી અને ધમકીઓથી કંટાળીને દિનેશભાઈએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા જયંતિ હરગોવનભાઈ પટેલ, કૌશિક જયંતિભાઈ પટેલ (બંને સુરતના રહેવાસી), અર્પિત પિયુષભાઈ શાહ (અમદાવાદનો રહેવાસી), અને ઋષભ રેડ્ડી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસે કૌશિકનું નિવેદન લીધું, જેમાં તેણે હકીકત કબૂલી અને દિનેશભાઈને રૂ. 21.65 લાખનો ચેક આપ્યો, જોકે તે પણ બાઉન્સ થયો.
તાજેતરમાં, વિસનગર શહેર પોલીસે અમદાવાદથી અર્પિત પિયુષભાઈ શાહને ઝડપી પાડ્યો છે, જેણે પોતાને ‘નકલી IAS’ અધિકારી તરીકે રજૂ કરીને દિનેશભાઈ સાથે છેતરપિંડી આચરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ છે કે અર્પિત શાહે જ ખોટી ઓળખ ઊભી કરીને દિનેશભાઈ પાસેથી પૈસા પડાવ્યા હતા.
જોકે, આ છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ, પિતા-પુત્ર જયંતિ અને કૌશિક, હજુ પણ ફરાર છે. પોલીસ તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કાર્યવાહી કરી રહી છે.
