

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 14,000 મહિલાઓમાં કેન્સરના લક્ષણો જોવા મળ્યા છે. મરાઠવાડા ક્ષેત્રમાં આવતા આ જિલ્લામાં ગત દિવસોમાં રાજ્ય સરકારે એક વ્યાપક સ્તર પર અભિયાન ચલાવીને તપાસ હાથ ધરી હતી. તેમાંથી 14,000 મહિલાઓ શંકાસ્પદ કેન્સરની દર્દીઓ તરીકે સામે આવી છે. ગુરુવારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રકાશ અબિતકરે વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સંજીવની યોજના હેઠળ સ્ક્રિનિંગ દરમિયાન આ મહિલાઓ બાબતે આ માહિતી મળી હતી. અબિતકરે જણાવ્યું હતું કે, 8 માર્ચના રોજ મહિલા દિવસથી સર્વેની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત કુલ 2,92,996 મહિલાઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. હિંગોલીના કલેક્ટર અભિનવ ગોયલે અગાઉ પ્રાથમિક રિપોર્ટમાં આ સંખ્યા 13,500 બતાવી હતી.

આરોગ્ય મંત્રી પ્રકાશ અબિતકરે જણાવ્યું હતું કે, સર્વેના જવાબોના આધાર પર જ જાણવા મળ્યું છે કે લગભગ 14,500 મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો છે. કુલ 14,542 મહિલાઓમાંથી 3ને ગર્ભાશયનું કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક મહિલાને સ્તન કેન્સર અને 8 મહિલાને માઉથ કેન્સર છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ જાણકારી જિલ્લા કલેક્ટર દ્વારા કેન્સરને લઈને ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાનમાં સામે આવી છે. આ અભિયાન એટલા માટે ચલાવવામાં આવ્યું છે કે કેન્સરની માહિતી શરૂઆતી સ્ટેજમાં જ જાણી શકાય અને પછી એ લોકોની સારવાર કરાવી શકાય.

કેવી રીતે થશે મહિલાઓની સારવાર?
આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે મહિલાઓ માટે અલગ કેન્સર હૉસ્પિટલ બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. ગ્રામીણ વિસ્તારોમાં સ્ક્રિનિંગની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. રાજ્યની 8 જિલ્લા હૉસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આવા સેન્ટર્સને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સ્થાપિત કરવાની તૈયારી છે. જિલ્લા હૉસ્પિટલોમાં પણ તેની તપાસની સુવિધા આપવાવામાં આવી રહી છે. તેના માટે ટાટા મેમોરિયલ હૉસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યો છે. ટાટા મેમોરિયલ હૉસ્પિટલ તરફથી એક ટીમ મહિનામાં 2 વખત હૉસ્પિટલોમાં જશે અને ત્યાં કેમ્પ લગાવીને તપાસ કરશે. એટલું જ નહીં, નીચેના સ્તર પર તપાસ માટે કેન્સર યોદ્ધાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
