

લોકસભામાં 28 જુલાઈના રોજ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાના એક નિવેદને રાજનીતિક ગલિયારાઓ તેમજ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ પર વાત કરતા હુડ્ડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપની નિંદા કરી અને ગુસ્સામાં કંઈક એવું કહી દીધું જે સીધું એક દિગ્ગજ કંપની પર હુમલો હોય તેવું લાગ્યું.

હુડ્ડાએ કહ્યું કે, ‘આપણા નેતાએ ક્યારેય ટ્રમ્પની મધ્યસ્થતાની નિંદા કરી નથી. ડોનાલ્ડને ચૂપ કરાવો, ડોનાલ્ડનું મોઢું બંધ કરાવો અથવા ભારતમાં મેકડોનાલ્ડ્સ બંધ કરાવો.’ આ શબ્દો તરત જ વાયરલ થઈ ગયા અને સવાલ ઉભા થવા લાગ્યા કે, શું આ ખરેખર 18 લાખ કરોડ રૂપિયાની અમેરિકન કંપની માટે ચેતવણીની ઘંટડી છે?

દુનિયાની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેઈનમાંથી એક, મેકડોનાલ્ડ્સની શરૂઆત 1940માં શરૂ થઈ હતી. આજે તેનું માર્કેટ વેલ્યૂ લગભગ 213.42 બિલિયન ડોલર એટલે કે 17.6 લાખ કરોડ રૂપિયા છે. આ કંપની લગભગ 71 દેશોમાં કામ કરી રહી છે અને ભારત જેવા ઉભરતા બજારોમાં લાખો લોકોને રોજગારી આપે છે.
મેકડોનાલ્ડ્સના માલિક કોણ છે?
કંપનીના વર્તમાન CEO અને ચેરમેન ક્રિસ્ટોફર જોન કેમ્પઝિન્સ્કી છે, જેમણે 2019માં જવાબદારી સંભાળી હતી. આ કંપની દુનિયાની 71મી સૌથી મૂલ્યવાન કંપની છે. બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, તેની બ્રાન્ડ વેલ્યુ 40.5 બિલિયન ડોલર છે. આ કંપની ન માત્ર ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં અગ્રણી છે, પરંતુ ભારત જેવા બજારોમાં પણ તેની મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે, જ્યાં તે હજારો લોકોને રોજગારી આપે છે.

હુડાનું નિવેદન ટ્રમ્પની નિંદામાં હતું, પરંતુ મેકડોનાલ્ડ્સને તેમાં ખેંચીને સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રોલિંગનું કારણ બની ગયું. જોકે મેકડોનાલ્ડ્સને બંધ કરવાની કોઈ સરકારી જાહેરાત કરવામાં આવી નથી અને ન તો તેની સંભાવના છે, પરંતુ આ નિવેદનથી જરૂર ઉજાગર થાય છે કે, કેવી રીતે રાજનીતિક કટાક્ષ પણ અબજોની કિંમતની કંપનીને ચર્ચામાં લાવી શકે છે.

